midday

રાજકોટ હૉસ્પિટલ મહિલાઓના અંગત વીડિયો કૌભાંડનું મહારાષ્ટ્ર અને UP કનેક્શન, 3ની ધરપકડ

20 February, 2025 07:16 AM IST  |  Rajkot | Gujarati Mid-day Online Correspondent

Rajkot Women’s Hospital Videos Leaked Scandal: આ મામલે હવે ગુજરાતના અમદાવાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ અનેક રાજ્યોમાં સંકલિત દરોડા પાડ્યા હતા. આ તપાસમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની લિન્ક મળી હતી જ્યાં પોલીસ ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતના રાજકોટમાં એક મેટરનિટી હૉસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો લીક થયા હોવાની ચોંકાવનારી ઘટના બાદ હોબાળો મચ્યો છે. મહિલા દર્દીઓના ચેકઅપ દરમિયાનના રેકોર્ડ કરાયેલા ઘણા પ્રાઈવેટ વીડિયો યુટ્યુબ ચૅનલ પર અપલોડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે હવે આ વીડિયોઝના વેચાણ માટે ટેલિગ્રામ ચૅનલ પર જાહેરાત કરવામાં આવી રહી હોવાનો ખુલાસો થયો હતો. આ ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે, અને હવે હૉસ્પિટલ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

યુટ્યુબ ચૅનલ પર સાત વીડોયોઝ અપલોડ થયા

મીડિયા રિપોર્ટ મુજબ, પાયલ મેટરનિટી હૉસ્પિટલના સાત વીડિયો યુટ્યુબ ચૅનલ મેઘા એમબીબીએસ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ સાથે વીડિયોને ટેલિગ્રામ લિન્ક દ્વારા 999 રૂપિયાથી 1,500 રૂપિયા સુધી પૈસા ચૂકવીને જોઈ શકાય છે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ટેલિગ્રામ એકાઉન્ટે લોકોને આકર્ષવા માટે મહાકુંભમાં ડૂબકી લગાવતી મહિલાઓના ફૂટેજનો ઉપયોગ તેના થંબનેલમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, આ વીડિયો સીસીટીવી ફૂટેજ હોય ​​તેવું લાગે છે, જેમાં બંધ રૂમમાં મહિલા ડૉક્ટર દ્વારા મહિલા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે અથવા નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે.

આ વીડિયોના કેપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિન્ક આપવામાં આવી હતી. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ) હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, “આરોપીઓએ યુટ્યુબ ચૅનલ પર આવા સાત વીડિયો અપલોડ કર્યા હતા અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિન્ક આપી હતી. તે ગ્રુપના સભ્યોને સમાન વીડિયોઝ જોવા માટે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ગ્રુપના મેમ્બર્સને સબ્સ્ક્રિપ્શન ફીના પૈસા ચૂકવવા માટે આકર્ષિત કરવા માટે આરોપીઓએ આ વીડિયોઝના સ્ક્રીનશૉટ શૅર કર્યા હતા.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેલિગ્રામ ગ્રુપ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બનાવવામાં આવ્યું હતું, જ્યારે યુટ્યુબ ચૅનલ આ વર્ષે જાન્યુઆરીમાં લૉન્ચ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ચૅનલનો પ્રચાર કરતા ટેલિગ્રામ ગ્રુપમાં 90 થી વધુ સભ્યો હતા. "આવા જ એક વીડિયોમાં, એક નર્સ અને એક મહિલા દર્દી ગુજરાતીમાં વાત કરતા સાંભળી શકાય છે," માકડિયાએ કહ્યું. દરમિયાન, રાજકોટની પાયલ હૉસ્પિટલના એક અધિકારીએ દાવો કર્યો હતો કે હૉસ્પિટલની સીસીટીવી સિસ્ટમ હૅક થઈ ગઈ હશે. હૉસ્પિટલના અધિકારીઓએ પ્રેસને જણાવ્યું, “કોઈએ ગેરકાયદેસર રીતે અમારા વીડિયો એક્સેસ કર્યા હશે. અમે કંઈ ખોટું કર્યું નથી અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું. જોકે, હૉસ્પિટલે એ સ્પષ્ટ કર્યું નથી કે સીસીટીવી કૅમેરા એવા રૂમમાં કેમ લગાવવામાં આવ્યો હતો જ્યાં મહિલાઓની ગોપનીયતા સાથે ચેડા થઈ શકે છે.

આ મામલે હવે ગુજરાતના અમદાવાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ અનેક રાજ્યોમાં સંકલિત દરોડા પાડ્યા હતા. આ તપાસમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની લિન્ક મળી હતી જ્યાં પોલીસ ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા લોકોમાં પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલીની મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક શકમંદ ઉત્તર પ્રદેશમાંથી પકડાયો હતો. દરમિયાન, પોલીસ ટીમે આ કેસ સાથે જોડાયેલા વધુ સાત વ્યક્તિઓની પૂછપરછ કરી રહ્યા છે, જેથી શું આ ઘટના પાછળ કોઈ મોટું રૅકટ હોઈ શકે છે, તેનો ખુલાસો થાય.

rajkot viral videos cyber crime social media youtube gujarat news Gujarat Crime sexual crime