એક શનિવારે કોર્ટમૅરેજ કર્યાં બીજા શનિવારે પત્ની-સાળી સાથે સ્વાહા

27 May, 2024 06:44 AM IST  |  Ahmedabad | Prakash Bambhroliya

કોર્ટમૅરેજ કર્યા બાદ ૧૧ જૂને કૅનેડા પાછો જવાનો હતોઃ ડિસેમ્બરમાં અમેરિકામાં વિધિવત્ લગ્નનું આયોજન હતુંઃ હાથમાં પહેરેલા કડા અને વીંટીથી મૃતદેહ ઓળખાયો: અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટમાં રહેતાં માતા-પિતા આજે ભારત આવ્યા બાદ DNA ટેસ્ટ કરવા માટે સૅમ્પલ આપશે

ગયા શનિવારે રાજકોટમાં કોર્ટમૅરેજ પછી અક્ષય ઢોલરિયા અને ખ્યાતિ સાવલિયા.

રાજકોટના નાના મવા રોડ પર આવેલા ગેમ-ઝોનમાં શનિવારે બપોર બાદ અચાનક લાગેલી આગમાં ૨૮ લોકો હોમાઈ ગયા હતા એમાં કૅનેડાથી ખાસ કોર્ટમૅરેજ કરવા રાજકોટ આવેલા પટેલ સમાજના ૨૪ વર્ષના અક્ષય ઢોલરિયા, તેની ૨૦ વર્ષની પત્ની ખ્યાતિ સાવલિયા અને ૨૪ વર્ષની સાળી હરિતાનો પણ સમાવેશ થાય છે. શનિવારે બપોર બાદ ત્રણેય ફરવા નીકળ્યાં ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આજે તેમના જીવનનો છેલ્લો દિવસ છે. અર્જુન પાર્કમાં રહેતા મામાના ઘરેથી તેઓ બીજી કોઈ જગ્યાએ ફરવા નીકળ્યાં હતાં, પણ અચાનક તેમણે ગેમ-ઝોનમાં જવાનો નિર્ણય લીધો હતો અને તેઓ આગમાં હોમાઈ ગયાં હતાં. અક્ષયના મૃતદેહની ઓળખ તેણે હાથમાં પહેરેલા કડા અને વીંટીથી થઈ છે, જ્યારે એક અઠવાડિયા પહેલાં જ જેની સાથે કોર્ટમૅરેજ કર્યાં હતાં એ ખ્યાતિ સાવલિયા અને સાળી હરિતાના મૃતદેહોની તો ઓળખ પણ નથી થઈ શકી. ખ્યાતિનાં માતા-પિતા રાજકોટના મેઘાણીનગરમાં રહે છે એટલે તેમના મૃતદેહની ઓળખ કરવા DNA ટેસ્ટ માટે તેમણે બ્લડ-સૅમ્પલ આપી દીધાં છે. અક્ષયનાં આગલા શનિવારે કૉર્ટમૅરેજ થયાં હતાં અને આ શનિવારે તેનું પત્ની સાથે મૃત્યુ થયું હતું.

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
કૅનેડામાં હાયર સ્ટડી કરવાની સાથે જૉબ કરતા ૨૪ વર્ષના અક્ષય ઢોલરિયાનાં માતા-પિતા હિનાબહેન અને કિશોરભાઈ અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટમાં રહે છે. નજીકના પરિવારજનોની મધ્યસ્થીથી તેનાં લગ્ન રાજકોટના મેઘાણીનગરમાં રહેતી ખ્યાતિ સાથે નક્કી થતાં તે કોર્ટમૅરેજ કરવા ૧૦ દિવસ પહેલાં કૅનેડાથી રાજકોટ આવ્યો હતો. ૧૮ મેએ રાજકોટમાં ખ્યાતિ સાથે કોર્ટમાં મૅરેજ કર્યા બાદ તે ૧૧ જૂને કૅનેડા જવાનો હતો. આ વર્ષના ડિસેમ્બર મહિનામાં અક્ષય અને ખ્યાતિનાં અમેરિકામાં વિધિવત્ લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જોકે એ પહેલાં જ તેમના જીવનનો કરુણ અંત આવી ગયો છે. 

અચાનક ગેમ-ઝોન પહોંચ્યાં
રાજકોટમાં રહેતા અક્ષય ઢોલરિયાના ફોઈના દીકરા મિતેશ ખૂંટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અક્ષય શનિવારે બપોર બાદ ખ્યાતિ અને હરિતા સાથે રાજકોટમાં ફરવા માટે નીકળ્યો હતો. ગેમ-ઝોનમાં જઈ રહ્યા હોવાનું તેમણે કોઈને કહ્યું નહોતું. તેઓ અચાનક ગેમ-ઝોનમાં પહોંચ્યા હોવાની શક્યતા છે. ગેમ-ઝોનની બહાર તેની બાઇક મળી આવી છે.’

કડા-વીંટીથી ઓળખ થઈ
મૂળ સૌરાષ્ટ્રના કુવાડવા ગામના વતની પટેલ સમાજના અક્ષય અને ખ્યાતિના ફોન સાંજ બાદ બંધ થઈ ગયા હતા એ વિશે ​મિતેશભાઈએ કહ્યું હતું કે ‘સાંજે ખ્યાતિના ઘરે બધાને જમવાનું હતું એટલે વહેલા ઘરે આવવાનું કહીને તેઓ ઘરેથી નીકળ્યા હતા. સાડાપાંચ વાગ્યા સુધી તેઓ ઘર ન આવતાં તેમને ફોન કર્યા હતા તો એ બંધ આવ્યા હતા. અમે સતત ફોન કરી રહ્યા હતા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ગેમ-ઝોનમાં ભયંકર આગ લાગી છે. ત્રણેયના ફોન બંધ આવતા હતા એટલે તેઓ ગેમ-ઝોનમાં ગયા હોવાની શંકા જતાં બધા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાતના નવ વાગ્યા બાદ અક્ષયે હાથમાં પહેલું કડું અને વીંટી આગ લાગી હતી ત્યાંથી મળી આવ્યાં હતાં. તેના મૃતદેહને સિવિલ હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.’

આજે માતા-પિતા અમેરિકાથી આવશે
અક્ષયનાં માતા-પિતા અમેરિકામાં રહે છે એટલે તેઓ ત્યાંથી નીકળી ગયાં છે અને આજે રાજકોટ પહોંચશે. અક્ષયના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે, પણ સિવિલ હૉસ્પિટલમાં જોયેલો મૃતદેહ તેનો જ છે એ સ્પષ્ટ કરવા માટે તેનાં માતા-પિતાની DNA ટેસ્ટ કરવા માટે બ્લડનાં સૅમ્પલ લેવામાં આવશે.

rajkot fire incident gujarati community news canada Gujarat Crime gujarat news ahmedabad