રાજકોટ અગ્નિકાંડના આરોપી પાસેથી ૧૦ કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી

20 June, 2024 01:44 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

રાજકોટ અગ્નિકાંડના આરોપી ટાઉન પ્લાનિંગ ઑફિસર એમ. ડી. સાગઠિયા પાસેથી ૧૦ કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી

ફાઇલ તસવીર

રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનાના આરોપી એવા ટાઉન પ્લાનિંગ ઑફિસર એમ. ડી. સાગઠિયા પાસેથી ૧૦ કરોડ ­રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવતાં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ તેમની સામે ગુનો નોંધ્યો છે.

રાજકોટના TRP ગેમ-ઝોનના અગ્નિકાંડમાં સંડોવાયેલા રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયા વિરુદ્ધ લાંચરુશવત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તેમની પાસે કાયદેસરની આવકના પ્રમાણમાં ૧૦,૫૫,૩૭,૩૫૫ ­રૂપિયાની વધુ સંપત્તિ વસાવ્યાનું જણાઈ આવ્યું છે. તેમની આવકના પ્રમાણમાં ૪૧૦.૩૭ ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે જેથી રાજકોટ શહેર ACB પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

એમ. ડી. સાગઠિયાએ રાજકોટ અને એની આસપાસના વિસ્તારમાં બે પેટ્રોલ પમ્પ, ઇન્ડસ્ટ્રિયલ ગોડાઉન, અન્ડર કન્સ્ટ્રક્શન હોટેલ, ફાર્મહાઉસ, ખેતીની બે જમીન, ગૅસ ગોડાઉન, મોવૈયામાં પ્લૉટ, અન્ડર કન્સ્ટ્રક્શન બંગલો, ટેનામેન્ટ તેમ જ અમદાવાદમાં બે ફ્લૅટ વસાવ્યા હોવા ઉપરાંત કાર સહિત ૬ વાહનો છે તેમ જ આઠ વખત વિદેશપ્રવાસ કર્યો હોવાની વિગતો ACBની તપાસમાં બહાર આવી છે. 

rajkot fire incident gujarat gujarat news