જો આ લોકો જામીન પર છૂટ્યા તો હું એકેયને જીવતા નહીં મૂકું

27 May, 2024 06:53 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાજકોટની કરુણાંતિકામાં દીકરા સહિત પાંચ-પાંચ સ્વજનોને ગુમાવનારા પ્રદીપ સિંહ ચૌહાણનો વલોપાત

પ્રદીપ સિંહ ચૌહાણ

રાજકોટમાં શનિવારે ટી.આર.પી. ગેમ-ઝોનમાં બનેલી કમનસીબ દુર્ઘટનામાં દીકરા સહિત પાંચ-પાંચ સ્વજનોને ગુમાવનારા એક પિતાનો વલોપાત આક્રોશ બન્યો હતો. પોતાના દીકરાને ગુમાવનારા પ્રદીપ સિંહ ચૌહાણનું દર્દ રોષમાં ફેરવાઈ ગયું હતું અને મીડિયા સમક્ષ તેમણે ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે ‘જેમ અમારા પરિવારની ઓળખ-પરેડ નથી થતી એમ આ કોઈની ઓળખ-પરેડ હું નહીં થવા દઉં. જો આ લોકોને સજા થાય એ પહેલાં તેમના જામીન મંજૂર થાય તો હું બધાને મારી નાખીશ.’

પ્રદીપ સિંહ ચૌહાણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘અમારા પરિવારના આઠ જણ અહીં ગયા હતા જેમાંથી પાંચ મિસિંગ છે. મારો દીકરો રાજભા, મારા સાઢુભાઈ, તેમનો દીકરો, તેમના મોટા ભાઈની બેબી અને તેમના સાળા. ટોટલ પાંચ જણની ઓળખ થતી નથી. ત્રણ જણ બચી ગયા છે. આગ લાગી ત્યારે ત્રણ ફૅમિલી-મેમ્બરે ફોન કર્યો હતો કે અહીં આગ લાગી છે અને ધુમાડા થયા છે. અહીંથી કોઈ જવાબ આપતું નથી, અમે અહીં વીસ-પચીસ જણ છીએ, પાછળનો કાચનો દરવાજો બંધ કરી દીધો છે. આ રીતનો ફોન આવ્યો હતો. અમારી માગણી છે કે સરકાર દોષીઓને ફાંસીની સજા દે અને કોઈ ઍડ્વોકેટભાઈ આનો કેસ ન લે. જો કોઈને પૈસાથી કેસ લડવો હોય તો જેટલી ફી થતી હશે એનાથી બે લાખ વધુ હું આપીશ. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મને જે સહાય મળશે એ જરૂરિયાતમંદને આપી દઈશ. જો આ લોકોને સજા થાય એ પહેલાં તેમના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારી આગળપાછળ કોઈ છે નહીં હવે, હતું એ બધું ગયું છે. આને તમે ધમકી સમજો તો પણ છૂટ છે. સીધી રીતે છાપો કે બાપની વેદના સમજીને છાપો તોય છૂટ છે. જો આ લોકો જામીન પર છૂટ્યા તો હું એકેયને જીવતા નહીં મૂકું.’
ગુજરાતમાં ઉપરાઉપરી બનેલી ઘટનાઓની વાત કરતાં અને પ્રજાનો અવાજ રજૂ કરતા હોય એમ આ ઘટનામાં દીકરા સહિતના સ્વજનો ગુમાવનાર પ્રદીપ સિંહ ચૌહાણે તેમનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું સરકારને એટલું કહેવા માગું છું કે દોષીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. એક દિવસ મોરબીની દુર્ઘટના બને છે, એક દિવસ બોટ ઊંધી વળે છે. કોઈના દીકરા છે, કોઈની ફૅમિલી છે, પાંચ-પાંચ જણ જતા રહે છતાં ઍક્શન લેવાતી નથી. હવે સરકાર ઍક્શન નહીં લે તો પ​બ્લિક ઍક્શન લેશે, હું તમને લાવીને દેખાડીશ.’

rajkot gujarat news Gujarat Crime fire incident ahmedabad gujarati community news