28 April, 2024 09:10 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ગાંધી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં આગળ વધી રહી છે ત્યારે કૉન્ગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ગઈ કાલે ગુજરાતના ધરમપુરમાં ચૂંટણીસભા સંબોધીને BJPને મોંઘવારી અને બેરોજગારીના સળગતા મુદ્દે સાણસામાં લઈને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘BJPવાળા કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે ચપટી વગાડતા જંગ બંધ કરાવી શકે છે તો નરેન્દ્ર મોદીએ ચપટી વગાડીને બેરોજગારી, મોંઘવારી કેમ ઓછી ન કરી?’
આ સભામાં પ્રિયંકા ગાંધી બીજું શું શું બોલ્યાં
• ‘BJPના કેટલાય નેતા, પ્રધાનો કહી રહ્યા છે કે તેઓ સંવિધાનને બદલવા માગે છે. સંવિધાનને બદલવાનો શું મતલબ? મતલબ એ કે લોકતંત્રને વધુ દુર્બળ બનાવવા ઇચ્છે છે. દેશની જનતાને દુર્બળ બનાવવા
ઇચ્છે છે.
• કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોની આજે ચર્ચા છે, કેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લાં ૧૦ વર્ષમાં બહુ મોટી-મોટી વાતો થઈ, પણ તમારા જીવનમાં તરક્કી નથી આવી, ન્યાય નથી મળ્યો એટલે અમે મૅનિફેસ્ટોને ન્યાયપત્ર નામ આપ્યું છે. ૧૦ વર્ષથી અન્યાય જ અન્યાય થયો છે.
• સૌથી વધુ બેરોજગારી આજે છે. ઐતિહાસિક બેરોજગારી દૂર કરવા માટે અમારી ગૅરન્ટી છે કે જેટલી સરકારી જગ્યા કેન્દ્રમાં ખાલી પડી છે એ ૩૦ લાખ સરકારી જગ્યા ભરવામાં આવશે. BJPના રાજમાં સરકારી નોકરી મળતી હતી.
• આજે કમરતોડ મોંઘવારી છે. પેટ્રોલ ૧૦૦ને પાર છે, ડીઝલ ૯૦ને પાર છે, સોનું ૭૩,૦૦૦ને પાર છે અને ગૅસ-સિલિન્ડરનું પૂછો જ નહીં. બધી જ વસ્તુને મોંઘી કરી. ગૅસનો ભાવ ઓછો કરી શકતા હોય તો ચૂંટણી પહેલાં પણ કરી શક્યા હોત, આટલા વર્ષ તડપાવ્યા કેમ? ચૂંટણી આવે ત્યારે તમારા માટે હમદર્દી આવે છે, બાકીના સમયે તમારા માટે
વિચારતા નથી.
• વડા પ્રધાન એટલા અહંકારી છે કે તેમને કોઈ કંઈ કહી શકતું નથી. તેમને કેવી રીતે ખબર પડે કે પરિસ્થિતિ શું છે? તમારી વચ્ચે આવતા નથી. તમને યાદ હશે ઇન્દિરાજી, રાજીવજી, લોકોની વચ્ચે આવતાં હતાં. તેમને ચૂંટણીની પરવા છે, તમારી નહીં.
• મોદીજીએ મિત્રો માટે ૧૬ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા, પણ ખેડૂતો માટે એક રૂપિયા દેવું માફ ન કર્યું. કેવી સરકાર ચાલે છે દેશમાં. વિચારો સરકારની નિયત શું છે. કોના માટે ચાલે છે.
• મારા પરિવારના સભ્યોએ પોતાના જીવ દેશ માટે આપ્યા છે. ઇન્દિરાજી દેશ માટે શહીદ થઈ ગયાં, રાજીવજીને ટુકડામાં હું ઘરે લાવી. શહીદ થઈ ગયા દેશ માટે. તેમણે અમારા પરિવારને કેટલી ગાળો આપી. કોઈને નથી છોડ્યા. માતાને, પિતાને, દાદીને, દાદાને, પરદાદાને, ભાઈને, પતિને છોડ્યાં નથી. કોઈ વાંધો નહીં. છપ્પન ઇંચનો તેમનો સીનો નથી, લોહાનો સીનો છે અમારો.
• ૭૦ વર્ષથી દેશ સ્વતંત્ર છે. પંચાવન વર્ષ કૉન્ગ્રેસ સરકાર રહી છે. અંકલજી બતાવી રહ્યા છે કે અમે ચોરી કરીશું. કોઈ સરકારે કોઈ સ્કીમ કાઢી છે કે તમારા ઘરમાં આવીને દાગીના લઈ જાય? શું વાત કરે છે, કેમ આવું કરે છે? મોદીજીને શું થઈ ગયું છે? કૉન્ફિડન્સ તો નથી હલી ગયોને? ગભરાઈ તો નથી ગયાને?
• હું દાવા સાથે કહી શકું છું કે આ દેશના પહેલા વડા પ્રધાન હશે જે તમારી સામે આવી રીતે જુઠ્ઠું બોલે છે.
• આજે તમને એક આગ્રહ કરવા આવી છું કે આ વખતે તમારો વોટ કોઈ નેતા કે પાર્ટીના પક્ષમાં નહીં, તમારા દેશને આપો, ઇન્ડિયાને આપો. આ તમારો દેશ છે. વોટ દેશની જનતા માટે જવો જોઈએ.
• આ ચૂંટણીમાં એવો વોટ આપો કે દેશમાં સરકાર બદલાઈ જાય અને એની સાથે તમારું ભવિષ્ય બદલાઈ જાય. નરેન્દ્ર મોદીને અંકલ તરીકે સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ જતાં-જતાં સ્માઇલ કરીને કહ્યું હતું કે અંકલજી કી બાત મત માનના.