કચ્છના ધરતીકંપનો અનુભવ કર્યો પ્રેસિડન્ટે

02 March, 2025 07:03 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

કચ્છના કસબીઓનાં અદ્ભુત રોગાન આર્ટ, મડવર્ક, ભરતકામ અને વણાટકામ જોઈને પ્રભાવિત થઈ ગયાં દ્રૌપદી મુર્મુ : સફેદ રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નઝારો માણ્યો અને ઊંટગાડીમાં સવારી કરી

ગઈ કાલે ભુજના સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ ઍન્ડ મ્યુઝિયમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

આપણી લોકસાંસ્કૃતિમાં અને દુહા-છંદોમાં ‘કચ્છડો બારે માસ’ એવું એમનેમ નથી કહેવાતું એની પ્રતીતિ ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને થઈ હતી. કચ્છની મુલાકાતે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગરવા ગુજરાતના કચ્છી કસબીઓએ આતિથ્યભાવથી આવકારવાની સાથે પોતાના હાથે બનાવેલી કચ્છની ભાતીગળ કળાની વિવિધ વસ્તુઓ ભેટ આપીને રાષ્ટ્રપતિને કચ્છી કળાથી રૂબરૂ કરાવ્યાં હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છી કળાકારીગરી જોઈને પ્રભાવિત થયાં હતાં.  

દ્રૌપદી મુર્મુએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડોમાં વાર્તાલાપ કર્યો હતો. તેમણે કચ્છી કારીગરોની હસ્તકળાની વસ્તુઓના સ્ટૉલ્સની મુલાકાત કરીને કચ્છી રોગાન આર્ટ, મડવર્ક, ભરતકામ અને વણાટકામ સહિતના કસબના આર્ટિકલ્સનું નિરીક્ષણ કર્યું હતું અને કલાકારીગરીથી પ્રભાવિત થયાં હતાં. કચ્છી રોગાન આર્ટ સાથે આઠ પેઢીથી જોડાયેલા અબ્દુલ ગફુર ખત્રીએ રોગાન આર્ટના ઇતિહાસની માહિતી આપી હતી અને રાષ્ટ્રપતિને રોગાન આર્ટથી બનેલા ટ્રી ઑફ લાઇફની ફ્રેમ સ્મૃતિચિહ્‍નરૂપે ભેટ આપી હતી. કચ્છી માટીથી બનતા મડવર્ક વિશે માજીખાન મુતવાએ માહિતી આપીને મડવર્કથી બનાવેલી તેમની નેમપ્લેટ ભેટ આપી હતી. રબારી ભરતકામનાં કસબી પાબી રબારીએ ભરતકામથી બનાવેલાં પર્સ અને અજરખ પ્રિન્ટ ડાયરી ભેટ આપી હતી. કચ્છી વણાટકળા સાથે સંકળાયેલા અરજણ વણકરે કચ્છી વણાટકામ વિશે માહિતી આપીને કચ્છી વણાટથી બનાવેલી શાલ ભેટ આપી હતી. દ્રૌપદી મુર્મુએ હસ્તકળાના વિવિધ સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી અને કચ્છી બાંધણી, મેટલ અને કૉપરવર્ક, તલવાર અને સૂડી-ચપ્પા વિશે પણ જાણકારી મેળવી હતી.

આ પહેલાં દ્રૌપદી મુર્મુએ ભુજમાં આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ ઍન્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને એ પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. દ્રૌપદી મુર્મુએ વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપનો અનુભવ કર્યો હતો. રાષ્ટ્રપતિએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગૅલરીઓ નિહાળી હતી. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું એની માહિતી મેળવી હતી. આ ઉપરાંત ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમ જ ભૂકંપના સાક્ષીઓનાં સંસ્મરણોના વિડિયો પણ જોયા હતા.  
દ્રૌપદી મુર્મુએ સાંજે ધોરડો ખાતે સફેદ રણમાં કૅમલની સવારી કરીને સૂર્યાસ્તનો આહ્‍લાદક નઝારો નિહાળ્યો હતો. દ્રૌપદી મુર્મુ સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો જેમાં ‘કચ્છડે જો હર ધામ...’ ગીતથી કલાકારોએ કચ્છનાં વિવિધ યાત્રાધામોનાં વંદન કરાવ્યાં હતાં, તો કચ્છની ઓળખ એવા ‘ગજિયો’ લોકગીતની પ્રસ્તુતિ નિહાળીને દ્રૌપદી મુર્મુ રાજી થયાં હતાં. કલાકારોએ મણિયારો રાસ તેમ જ શિવ આરાધના સહિતના પર્ફોર્મન્સ કરીને કચ્છ સહિત ગુજરાતના ભાતીગળ લોકસંગીત, સંસ્કૃતિ અને સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
  

gujarat news gujarat ahmedabad rann of kutch kutch droupadi murmu