23 April, 2023 10:16 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
૭૫ વર્ષ બાદ પ્રભુ નવા રથમાં બિરાજશે
અમદાવાદ ઃ ગુજરાતના અમદાવાદમાં આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ૭૫ વર્ષ બાદ પ્રભુ નવા રથમાં બિરાજશે. આ વખતે યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નવા રથમાં બેસીને નગરયાત્રા કરશે.
અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિર ખાતે ગઈ કાલે અખાત્રીજના પર્વ પર રથપૂજન થયું હતું અને એ સાથે જૂન મહિનામાં યોજાનાર ૧૪૬મી રથયાત્રાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ હતી. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના રથનું વિધિવત્ રીતે પૂજન કર્યું હતું અને ત્યાર બાદ આરતી ઉતારી હતી. રથપૂજનમાં જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના અગ્રણીઓ તેમ જ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાનના નવા બનેલા રથ વિશે જગન્નાથજી મંદિરના મહેન્દ્ર ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રથો છે એ જૂના થઈ ગયા છે અને ડેમેજ થયા છે એટલે નક્કી કર્યું હતું કે નવા રથ બનાવીએ. લગભગ દેવદેવાળીથી ત્રણ નવા રથ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ૭૫ વર્ષ પછી ભગવાનના રથ બદલાશે. જે ત્રણ નવા રથ બનાવ્યા છે એ જૂના રથની રેપ્લિકા છે. ધર્મશાસ્ત્રોમાં વર્ણન છે એ પ્રમાણે રથ બનાવ્યા છે એમાં બીજો કોઈ ફેરફાર થાય નહીં.’