ઓલિમ્પિકસ ર૦૩૬નું ગુજરાતમાં આયોજન કરવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ, જાણો વિગત

16 December, 2022 08:12 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજર રહ્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

તસવીર સૌજન્ય: પીઆરઓ

આગામી ઓલિમ્પિકસ ર૦૩૬ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)ની અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) તથા રમત-ગમત પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghavi)ની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી.

ઓલિમ્પિકસ ર૦૩૬માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે અમદાવાદ-ગાંધીનગરમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સમીપે આકાર લેનારા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તેમ જ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતે આ બેઠકમાં પ્રાથમિક ચર્ચા-વિચારણાઓ હાથ ધરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓલિમ્પિકસ ર૦૩૬ની રમતો માટેના જે સ્થળો સિલેક્ટ રાજ્ય સરકારે કરેલા છે ત્યાં જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલિમ્પિકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરાંત વોટર સ્પોર્ટસ અને માઉન્ટેઇન સ્પોર્ટસ માટેના જે સ્થળો પસંદ થાય ત્યાં પણ સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવાના આયોજન અંગે દિશાદર્શન કર્યુ હતું. અમિત શાહે રાજ્ય સરકાર દ્વારા જે આયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત પ્રધાન હર્ષ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું કે, “ર૦૩૬ ઓલિમ્પિકસ અમદાવાદ મહાનગરને દેશના અતિ વિકસિત મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાતાથી પણ વધુ ઝડપી વિકસિત મહાનગર બનાવનારો બની રહેશે તે સ્પષ્ટ છે.

આ પણ વાંચો: રાજનીતિક સંકટોમાં સંન્યાસ પરંપરાએ દેશનું માર્ગદર્શન કર્યું છે

મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર તથા રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્ચિનીકુમારે ઓલિમ્પિકસ-ર૦૩૬ માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કર્યુ હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન, ઔડાના સી.ઇ.ઓ. ડી.પી. દેસાઈ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

gujarat gujarat news bhupendra patel amit shah ahmedabad gandhinagar