10 January, 2025 12:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદ ફ્લાવર શોમાં ઊમટી રહેલા સહેલાણીઓ. તસવીર : જનક પટેલ.
અમદાવાદમાં યોજાઈ રહેલો અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શો સફળ રહેતાં એને બે દિવસ લંબાવવામાં આવ્યો છે એટલું જ નહીં, પહેલી વાર અમદાવાદના ફ્લાવર શોમાં પ્રી-વેડિંગ શૂટિંગ તેમ જ વેબ-સિરીઝ અને ફિલ્મનાં શૂટિંગ પણ થઈ શકશે.
અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શોમાં છેલ્લા સાત દિવસ દરમ્યાન ૩ લાખ ૪૦ હજારથી વધુ સહેલાણીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. ફલાવર શો સફળ થતાં અને એ જોવા ઊમટી પડતા સહેલાણીઓને લીધે એને વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે એટલે હવે ફ્લાવર શો ૨૪ જાન્યુઆરી સુધી ચાલશે. ફ્લાવર શોમાં હવે પ્રી-વેડિંગ શૂટિંગ પણ થઈ શકશે અને એના માટે સત્તાવાળાઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે અને સાંજે પ્રી-વેડિંગ શૂટિંગ થઈ શકશે અને એના માટે પચીસથી ૩૫ હજાર ભાડું વસૂલીને એક કલાકનો સ્લૉટ આપવામાં આવશે જેમાં ૧૦ વ્યક્તિને પ્રવેશ મળશે.
આ ઉપરાંત ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ વેબ-સિરીઝ, મૂવી અને ઍડ્વર્ટાઇઝમેન્ટના શૂટિંગ માટે સાંજે છથી રાત્રે ૧૨ વાગ્યા સુધી રૂપિયા એક લાખના ભાડે આપવામાં આવશે અને શૂટિંગ માટે ત્રણ કલાકનો સ્લૉટ મળશે.