14 December, 2022 08:42 AM IST | Ahmedabad | Shailesh Nayak
શોભિત પટેલ
આજથી અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે ત્યારે જે નવયુવાને ઘરમાં ક્યારેય ઝાડુ પકડ્યું નથી તે વડોદરાના પાદરમાં રહેતો ૧૮ વર્ષનો શોભિત અલ્પેશ પટેલ ટૉઇલેટ-બ્લૉકની સફાઈની સેવામાં હોંશે-હોંશે લાગ્યો છે અને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેના સમર્પણની ભાવના સાથે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘જો ગુરુ કરી શકતા હોય તો હું કેમ આ સફાઈની કામગીરી ન કરી શકું.’
અમદાવાદમાં આજથી શરૂ થઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બાપા પ્રત્યેના સમર્પિત ભાવ સાથે હજારો હરિભક્તો સેવા કરવા આવી પહોંચ્યા છે. કોઈક મહિલાને રજા ન મળતાં નોકરી છોડી દઈને અહીં આવી પહોંચી છે તો કોઈક મહિલા સાત સમંદર પારથી પરિવાર સાથે સેવા કરવા આવી પહોંચ્યા છે. સ્વચ્છતામાં પ્રભુતાની વાતને ધ્યાને લઈને તેમ જ પ્રમુખસ્વામી મહારાજ સ્વચ્છતાના આગ્રહી હોવાથી ૬૦૦ એકરની જમીન પર બનેલા પ્રમુખસ્વામીનગરને સાફસૂથરું રાખવા ૧૭૦૦ સ્વયંસેવકો સફાઈની સ્વૈચ્છિક સેવા આપવા આવ્યા છે.
મહોત્સવ સ્થળે ટૉઇલેટ-બાથરૂમના ૧૨૫ કરતાં વધુ પાકા બ્લૉક તૈયાર કર્યા છે જેના નિર્માણથી માંડીને સ્વચ્છતા સુધીની સેવામાં વિવિધ ડીગ્રીધારી સ્વયંસેવકો જોડાયા છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સેકન્ડ યર બી.કૉમ.માં અભ્યાસ કરતા અને સી.એ.ની ઇન્ટરમિડિયેટની એક્ઝામ આપનાર પાદરાથી આવેલા શોભિત પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અહીં ૪૫ દિવસ માટે સેવા કરવા મારા પરિવાર સાથે આવ્યો છું. અહીં સ્વચ્છતા વિભાગમાં ટૉઇલેટ સફાઈ તેમ જ પેવર-બ્લૉક સફાઈ સહિતની સફાઈની સેવા કરવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં મેં મારા ઘરે ક્યારેય પણ ટૉઇલેટ સાફ નથી કર્યું, પણ એક નજર ગુરુ સામે કરી તો પ્રમુખસ્વામી મહારાજે ટૉઇલેટ-બ્લૉક જાતે સાફ કર્યા છે. ’
શોભિત પટેલે એમ પણ કહ્યું હતું કે ‘મારે એક્ઝામ યોજાવાની હતી અને બીજી તરફ આ મહોત્સવ પણ ડિસેમ્બર–જાન્યુઆરીમાં થવાનો હતો હું રોજ પૂજા કરતો અને પ્રાર્થના કરતો કે બાપા મારે સેવા કરવા આવવું છે તો મારી એક્ઝામ જાન્યુઆરીમાં કરાવી દો અથવા નવેમ્બરમાં કરાવી દો. અને જાણે મારી આ પ્રાર્થના બાપાએ સાંભળી હોય એમ મારી એક્ઝામ નવેમ્બરમાં લેવાઈ ગઈ અને હું અહીં સેવામાં આવી શક્યો છું.’
નોકરી છોડીને સેવા કરવા આવેલાં હિરલ રાવલ (ડાબે) અને દુબઈથી સેવા કરવા આવેલાં હાર્દિકા દવે (જમણે)
મહોત્સવમાં દુબઈથી સેવા કરવા આવેલાં હાર્દિકા દવેએ ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘હું દુબઈમાં સરકારમાં સર્વિસ કરું છું. અહીં સેવા કરવા આવવાની ઇચ્છા હતી એટલે હું રજા મૂકીને ૩૫ દિવસ સેવા કરવા મારા પરિવાર સાથે આવી છું. બાપાએ ઘણું કર્યું છે, હવે અમારો વારો આવ્યો છે.’
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બનાવેલા પ્રમુખસ્વામીનગરનું મુખ્ય દ્વાર
મહંત સ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદી આજે મહોત્સવનું કરશે ઉદ્ઘાટન
અમદાવાદમાં આજે સાંજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું મહંત સ્વામી મહારાજ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક લાખ કરતાં વધુ હરિભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ૬૦૦ એકર જમીન પર બનાવેલા વિશાળ પ્રમુખસ્વામી મહારાજનગરમાં આજથી ૩૦ દિવસ સુધી પ્રેરણાત્મક કાર્યક્રમોની હારમાળા સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ યોજાશે, આ મહોત્સવમાં રોજેરોજ લગભગ એક લાખ લોકો આવવાનું અનુમાન છે.
80,000
આટલા સ્વયંસેવકો આપશે સેવા.
20,000
આટલા પ્રેક્ષકો બેસી શકે એવા સભાગાર સાથેનો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો.
150
વિવિધ સંદેશાઓ સાથેની વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓની આટલી કૃતિઓ.
67
આટલા ફુટ ઊંચી દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ.