16 December, 2022 09:35 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘પ્રમુખસ્વામી મહારાજે વીસમી અને એકવીસમી સદીમાં સંન્યાસ પરંપરાને પુનઃ વ્યાખ્યાયિત અને પુનઃ જીવિત કરવાનું કામ કર્યું છે. આ સંન્યાસ પરંપરા – સંન્યાસી પરંપરાએ દેશને અનેકવિધ સંકટોથી બહાર કાઢ્યો છે. એટલું જ નહીં, રાજનીતિક સંકટોમાં પણ આ સંન્યાસ પરંપરાએ દેશનું માર્ગદર્શન કર્યું છે.’
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગઈ કાલે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહંતસ્વામીની ઉપસ્થિતિમાં ઇન્ટરનૅશનલ કન્વેન્શન ફૉર બેટર લિવિંગનો આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, રિલાયન્સ જૂથના પરિમલ નથવાણી, ટી. એસ. કલ્યાણરમણ, કરસન પટેલ, પંકજ પટેલ સહિત ઉદ્યોગજગતના મહાનુભાવો, સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે પ્રમુખસ્વામી પ્રત્યે પોતાનો આદરભાવ પ્રગટ કરીને કહ્યું હતું કે ‘મારા જીવનમાં ઘણી વાર નરસા પ્રસંગે પ્રમુખસ્વામીને મળ્યો છું. ઘણી બધી ચિંતાઓ, ઉપાધીઓ, ઘણા પ્રશ્નો લઈને એમની પાસે જતો અને શાંતિ, ચેતના અને ઊર્જા લઈને બહાર આવતો. આ નગરની મુલાકાતથી શાંતિનો અનુભવ થશે, આત્માનું કલ્યાણ થશે અને જીવન નિષ્કંટક રીતે જીવવા માટેના અનેક બોધ આ નગરમાં ઉપલબ્ધ છે. જ્યાં શાંતિ, દિવ્યતા અને માનવજીવનનાં ઉત્કૃષ્ટ મૂલ્યોનો સંદેશ એકસાથે પ્રાપ્ત થાય એવી નગરી જોઈને હું અચંબિત થઈ ગયો.’
પ્રમુખસ્વામી મહારાજે દેશ સહિત વિદેશોમાં બનાવેલાં મંદિરો વિશે અમિત શાહે એમ પણ કહ્યું હતું કે ‘વિરાટ મંદિરોનું સર્જન એક વ્યક્તિએ બોલ્યા-ચાલ્યા વગર કર્યું. આ પ્રયાસ, આ પુરુષાર્થ અને પરિણામનો સરવાળો કરીએ તો કદાચ સમજાય કે કેટલું વિરાટ કાર્ય એક જીવનમાં પ્રમુખસ્વામી મહારાજ કરીને ગયા છે. એમની સ્થાપેલી પરંપરાઓ અનેક સદીઓ સુધી ચાલતી રહેશે.’