14 September, 2024 09:22 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉન તેમ જ કન્ટેનર ટ્રકમાં સંતાડી રાખેલા ૪.૯૯ કરોડ રૂપિયાની કિંમતના ડુપ્લિકેટ પ્રતિબંધિત ગુટકા અને પાન મસાલાના જથ્થા સાથે ૩ આરોપીઓને ઝડપી લેવાયા હતા. મળેલી બાતમીના આધારે વહેલી સવારે સારોલી સણિયા હેમાદ ગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયા શક્તિ લૉજિસ્ટિક્સના ગોડાઉનમાં રેઇડ કરીને સંજય શર્મા, સંદીપ નૈણ અને વિશાલ જૈનને ઝડપી લઈને તપાસ હાથ ધરતાં ગોડાઉન તેમ જ પાંચ કન્ટેનર ટ્રકમાં સંતાડી રાખેલો ૪,૩૮,૧૭,૮૨૦ રૂપિયાની કિંમતના પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલાનો જથ્થો મળીને કુલ ૫,૫૮,૮૭,૮૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સારોલી-કડોદરા રોડ પર આવેલા પ્રિન્સ ટ્રાન્સપોર્ટ નગર ખાતે આવેલા બંધ ગોડાઉનમાં રેઇડ કરીને ગોડાઉનમાં સંતાડી રાખેલો ૬૦,૯૦,૦૦૦ રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત ડુપ્લિકેટ ગુટકાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં એવી વિગત પોલીસને જાણવા મળી હતી કે ગુટકા અને પાન મસાલાનો જથ્થો દિલ્હીથી મગાવીને ગુજરાત તથા મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળે તેઓ સપ્લાય કરતા હતા. આ કેસમાં બે વૉન્ટેડ આરોપીને ઝડપી લેવાના પ્રયત્ન હાથ ધરીને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.