11 September, 2024 11:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સ્ટૅચ્યુ ઑફ યુનિટી
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમની સામે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની બનેલી વિશ્વ પ્રસિદ્ધ સ્ટૅચ્યુ ઑફ યુનિટી (SOU)ની પ્રતિમાના બાંધકામ સમયના ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મૂકીને વાંધાજનક પોસ્ટ કરનાર રાગા ફૉર ઇન્ડિયા સામે SOUના સત્તાવાળાઓએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે અને કહ્યું હતું કે SOU સુરક્ષિત છે.
૨૦૨૪ની ૮ સપ્ટેમ્બરે રાગા ફૉર ઇન્ડિયા નામના યુઝરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર SOUની પ્રતિમાનો બાંધકામ સમયના એક ફોટોને તાજેતરના ફોટો તરીકે ઉપયોગ કરીને ‘કભી ભી ગિર સકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઈ’ આવા લખાણ સાથે મેસેજ મૂકીને લોકોમાં ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે SOU વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને SOUના ઑપરેશન અને મેઇન્ટેનન્સ સાથે જોડાયેલા લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ પાસે વિગતવાર અહેવાલ આપવા સૂચના આપી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પોસ્ટમાં જે તસવીર મુકાઈ છે એ બાંધકામ સમયની છે જેથી SOUના નાયબ કલેક્ટર અભિષેક સિંહાએ SOU સલામતી પોલીસ-સ્ટેશનમાં રાગા ફૉર ઇન્ડિયા નામના યુઝર સામે ફરિયાદ નોંધાવી છે.