10 May, 2023 12:10 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય મિડ-ડે)
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૧૨ મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમૃત આવાસોત્સવ ઊજવાશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ૧૯૪૬ કરોડ રૂપિયાના ખર્ચે આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નરેન્દ્ર મોદી કરશે તેમ જ લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ પ્રધાન મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ૭૧૧૩ આવાસોનું લોકાર્પણ, ૪૩૩૧ આવાસોનું ખાતમુહૂર્ત અને ૧૮,૯૯૭ આવાસોમાં લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૨૩૨ તાલુકાનાં ૩૭૪૦ ગામોમાં ૧૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. નરેન્દ્ર મોદી આ પ્રસંગે વિડિયો લિન્ક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.