પાવાગઢ મંદિરમાં ધજા ચડાવશે મોદી

14 June, 2022 09:10 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

શક્તિપીઠ રિનોવેટ થતાં નવું શિખર બન્યું છે, સદીઓથી ખંડિત હોવાને કારણે ત્યાં ધજા ફરકાવવામાં નહોતી આવતી, શનિવારે ઐતિહાસિક અવસરના સાક્ષી બનશે વડા પ્રધાન

પાવાગઢમાં આવેલું શક્તિપીઠ મહાકાળી માતાજીનું મંદિર

ગુજરાતના વિશ્વ વિખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરે સદીઓ પછી પહેલી વાર શિખર પર ધજા લહેરાશે. આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની પહેલી વાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જૂને મહાકાળી મંદિર પર ધજા ચઢાવશે અને માતાજીના ચરણે શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવશે.

આ અલૌકિક અને દિવ્ય ઘટના પહેલી વાર બનવા જઈ રહી છે કે સદીઓ જૂના અને પૌરાણિક એવા પાવાગઢ મંદિર પર ભાવિકોને ધજા લહેરાતી જોવા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જૂને પાવાગઢ અને વડોદરાની મુલાકાત લેશે. વડોદરામાં ૧૮ જેટલાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પહેલાં નરેન્દ્ર મોદી પાવાગઢનાં કેટલાંક પગથિયાં ચડીને મહાકાળી માતાજીના શરણમાં જઈને માતાજીનાં દર્શન કરી પૂજાઅર્ચના કરશે.

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલી વાર પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર આવી રહ્યા છે. તેઓ નીચે હાલોલમાં આવ્યા હોય, પરંતુ મંદિરમાં પહેલી વાર આવી રહ્યા છે. માતાજીના મંદિરે ઐતિહાસિક ધજા ચડાવવાની છે એના માટે તેઓ આવી રહ્યા છે. ઘણી બધી સદીઓથી મંદિરના શિખર પર ધજા ચડી નથી, એ ધજા ચડાવવાનો અવસર છે. આની પાછળનું કારણ એ છે કે મંદિરનું શિખર ખંડિત હતું એટલે એના પર ધજા ચડે નહીં એટલે પાવાગઢના મંદિર પર ધજા ચડતી નહોતી, પણ હવે મંદિર રિનોવેટ થયું છે અને શિખર પણ નવું બની ગયું છે એટલે ધજા ચડશે અને પહેલી વાર મંદિર પર નરેન્દ્રભાઈ મોદી ધજા ચડાવશે.’

ઉલ્લેખનીય છે કે પાવાગઢ મંદિરનું રિનોવેશન કાર્ય શરૂ થયું હતું અને હવે એ પૂર્ણતાને આરે છે. ભાવિકો માટે પહેલાં કરતાં વધુ સુવિધાયુક્ત મંદિર બનાવવામાં આવ્યું છે. એવી પણ વિગતો જાણવા મળી છે કે મંદિરનું શિખર સોનેથી મઢાયું છે તેમ જ ધજાનો દંડ પણ સોનાથી મઢાયો છે. આ ઉપરાંત મહાકાળી માતાજી મંદિરનો ગર્ભગૃહ પણ સોનાથી મઢાયો છે. સદીઓથી ખંડિત રહેલા શિખરનું રિનોવેશ કરી શિખરબદ્ધ મંદિર થતાં પાવાગઢના આંગણે ઐતિહાસિક અવસર આવ્યો છે અને માતાજીના મંદિર પર ભક્તિભાવ સાથે ધજા લહેરાશે.

gujarat gujarat news narendra modi shailesh nayak