PM મોદીનાં માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન

30 December, 2022 07:27 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

હૉસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, વડા પ્રધાનના માતા હીરાબેન મોદીએ આજે ​​(30 ડિસેમ્બર) સવારે 3:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબા સાથે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબા (Hiraba)નું 100 વર્ષની વયે અમદાવાદની હૉસ્પિટલમાં નિધન થયું છે. વડા પ્રધાન મોદી તાત્કાલિક અમદાવાદ માટે રવાના થયા છે. હીરાબાને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓના કારણે બુધવારે સવારે `યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી ઍન્ડ રિસર્ચ સેન્ટર`માં દાખલ કરવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, વડા પ્રધાનના માતા હીરાબેન મોદીએ આજે ​​(30 ડિસેમ્બર) સવારે 3:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતાં.

માતાના અવસાન પર શોક વ્યક્ત કરતાં પીએમ મોદીએ લખ્યું કે, "એક ગૌરવશાળી સદીનો ભગવાનના ચરણોમાં વિરામ... માતામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, એક નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યોનું મૂર્ત સ્વરૂપ પ્રતિબદ્ધ જીવન સમાયેલું છે.”

પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડા પ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હૉસ્પિટલમાં તેમની માતાને મળ્યાં હતાં. તે એક કલાકથી વધુ સમય સુધી હૉસ્પિટલમાં રહ્યા હતા.

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલાં જ વડા પ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હૉસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા હતા.

હીરાબા ગાંધીનગર શહેર નજીક રાયસણ ગામમાં વડા પ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતાં હતાં. વડા પ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને અચૂક મળતા હતા.

અગાઉ 2016માં નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાને ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે સમયે અચાનક તબિયક લથડી પડતાં 108 બોલાવી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો કે, તેમને જનરલ વૉર્ડમાં જ દાખલ કરવામાં આવ્યાં હતાં અને તે સામાન્ય દર્દીની જેમ જ તેમની સારવાર કરવામાં આવી હતી. હૉસ્પિટલના જનરલ વૉર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઇ હતી.

gujarat news narendra modi ahmedabad gujarat