31 December, 2022 08:55 AM IST | Ahmedabad | Shailesh Nayak
ગાંધીનગરમાં ગઈ કાલે માતાના પાર્થિવ દેહને પ્રણામ કરતા નરેન્દ્ર મોદી
વાત્સલ્યમૂર્તિ, સાદગી અને પરિશ્રમનાં પ્રેરણામૂર્તિસમાન હીરાબા મોદીએ ગઈ કાલે શાકંભરી નવરાત્રિના પ્રારંભે વહેલી જીવનલીલા સંકેલી લીધી હતી અને આદ્યશક્તિના શરણમાં હરિધામ પહોંચી ગયાં છે. માતાના નિધનની જાણ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી રાયસણ આવીને માતાને વંદન કરીને સંવેદના વ્યક્ત કરી હતી અને ભાઈઓ સાથે મળીને ગાંધીનગરના સ્મશાનગૃહમાં માતાને અગ્નિદાહ આપ્યો હતો. હીરાબાના મૃત્યુના સમાચારથી દેશ અને દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને દેશદુનિયાના અનેક લોકોએ હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને બુધવારે અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટર, હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરાયાં હતાં. ગઈ કાલે સવારે હૉસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ‘હીરાબા મોદી વહેલી સવારે ૩-૩૦ વાગ્યે સારવાર દરમ્યાન દેવલોક પામ્યાં છે.’ ૧૦૦ વર્ષની ઉંમરે હીરાબાનું નિધન થયું હતું.
ગાંધીનગરમાં ગઈ કાલે માતાના પાર્થિવ દેહને કાંધ આપી રહેલા પીએમ મોદી.
હીરાબાના નિધનની જાણ થતાં ગઈ કાલે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ગાંધીનગર પાસેના રાયસણગામ ખાતે જ્યાં તેમનાં માતા રહેતાં હતાં ત્યાં તેમના નાના ભાઈ પંકજ મોદીના ઘરે આવી પહોંચ્યા હતા. ભારે હૈયે તેમણે માતાના પાર્થિવદેહના ચરણમાં વંદન કર્યાં હતાં અને ફૂલ ચઢાવ્યાં હતાં. નરેન્દ્ર મોદી આવી પહોંચતાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. તેમણે તેમના ભાઈઓ સાથે માતાના નશ્વરદેહને કાંધ આપી હતી અને અંતિમયાત્રા નિકાળી હતી. અંતિમયાત્રામાં માર્ગમાં ફૂલો મૂકવામાં આવ્યાં હતાં. અંતિમયાત્રામાં નરેન્દ્ર મોદી ખુલ્લા પગે જોડાયા હતા અને ગાંધીનગર મહાનગર પાલિકાના અંતિમયાત્રા રથમાં એટલે કે શબવાહિનીમાં માતાના પાર્થિવદેહને મૂકીને તેઓ શબવાહિનીમાં બેઠા હતા. તેઓ શબવાહિનીમાં આખા રસ્તે હાથ જોડીને બેઠા હતા અને માતાના જવાનું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. હીરાબાની અંતિમયાત્રા ગાંધીનગર સ્મશાનગૃહમાં પહોંચી હતી જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ભાઈઓએ માતાના અંતિમસંસ્કાર કરતાં અગ્નિદાહ આપ્યો હતો અને હીરાબાનો પાર્થિવદેહ પંચમહાભૂતોમાં વિલીન થયો હતો. સ્મશાનગૃહમાં પરિવારજનો ઉપરાંત ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.