09 January, 2024 09:10 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગાંધીનગરમાં જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે એ મહાત્મા મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું.
અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે બપોરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટૉલ ધરાવતા ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડશોનું ઉદ્ઘાટન કરશે. બીજી તરફ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવતા દેશના વડા પ્રધાન સહિતના મહેમાનોને આવકારવા ગાંધીનગર સજ્જ થયું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે વાઇબ્રન્ટ ગુજરાતનાં સ્થળોની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના હેલિપૅડ ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડશોનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. નરેન્દ્ર મોદી આજે યુએઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ ઍરપોર્ટથી રોડશો પણ યોજશે, જેમાં બન્ને મહાનુભાવોને નાગરિકો ઉમળકાભેર આવકારશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ ટ્રેડશો આજથી ૧૩ જાન્યુઆરી સુધી ચાલશે. આ ટ્રેડશોમાં ઑસ્ટ્રેલિયા, મૉરોક્કો, દક્ષિણ કોરિયા, થાઇલૅન્ડ, એસ્ટોનિયા, બંગલાદેશ, સિંગાપોર, યુએઈ, યુકે, જર્મની, નૉર્વે, નેધરલૅન્ડ, જપાન સહિત ૨૦ દેશ ભાગ લઈ રહ્યા છે, જેમાં સંશોધન ક્ષેત્રના ૧ હજારથી વધુ પ્રદર્શકો ભાગ લેશે અને વિવિધ ક્ષેત્રમાં થઈ રહેલાં સંશોધનો રજૂ કરશે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઑટોમોબાઇલ અને ઑટો કમ્પોનન્ટસ, સિરામિક, ફિનટેક, સાઇબર સુરક્ષા, એ.આઇ., ઇલેક્ટ્રિક વાહનો સહિતના ઉદ્યોગોના પ્રદર્શન સ્ટૉલ અહીં હશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રધાનો અને અધિકારીઓએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં સ્થળોની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.
૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યોજાનારા કાર્યક્રમો અને ટ્રેડશોની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સ્થળ સમીક્ષા કરી હતી. તેમણે મહાત્મા મંદિરના સેમિનાર હૉલ, વિવિધ પૅવિલિયન સહિતનાં સ્થળોની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યાં હતાં. તેમની આ મુલાકાત સમયે પ્રધાનમંડળના સભ્યો કનુભાઈ દેસાઈ, હૃષીકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા તેમ જ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આરંભ કરાવશે, જેમાં દેશ-વિદેશના ડેલિગેટ્સ, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, વિવિધ રાજ્યોના પ્રધાનો ઉપસ્થિત રહેવાના હોવાથી ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તથા વીવીઆઇપીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બુધવારે ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ શરૂ થવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે ૧૦.૩૦ને બદલે બપોરે ૧૨ વાગ્યે કચેરીઓ શરૂ થશે.