PM મોદી ગુજરાતની મુલાકાતે: રાજ્યને મળી ૪૪૦૦ કરોડની ભેટ-સોગાદ

12 May, 2023 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાનની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. જ્યારે તેઓ શિક્ષકોને સંબોધિત કરશે અને વિકાસ કાર્યોની ભેટ આપશે તો સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોને લીલી ઝંડી પણ આપવાના છે

ફાઇલ તસવીર

કર્ણાટક ચૂંટણીના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એક દિવસની ગુજરાત (Gujarat)ની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત દરમિયાન રાજ્યના લોકોને આશરે રૂા. 4400 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી છે, જેમાં પીએમ મોદી ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે અને કેટલીક યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો છે.

PM મોદીએ સવારે 10.30 વાગ્યે ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષણ સંઘના સંમેલનમાં હાજરી હતી. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક મહાસંઘનું આ 29મું દ્વિવાર્ષિક સંમેલન છે. કોન્ફરન્સની થીમ છે ‘ટીચર્સ એટ ધ હાર્ટ ઑફ ધ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ (શિક્ષણના પરિવર્તનમાં શિક્ષકોની કેન્દ્રીય ભૂમિકા). વડાપ્રધાન તેમના પ્રવાસ દરમિયાન ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. જ્યારે તેઓ શિક્ષકોને સંબોધિત કરશે અને વિકાસ કાર્યોની ભેટ આપશે તો સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોને લીલી ઝંડી પણ આપવાના છે.

શિક્ષકોનો કાર્યક્રમ પૂરો કરી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે રૂા.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસનું લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “અમે સરકારના આવાસમાં માતા અને બહેનોનું નામ પણ જોડ્યું છે.”

ભાવનગરના લાભાર્થીઓને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “તમે ભાવનગરના ગાંઠિયા ખાતા રહેજો. સરકાર લાભાર્થીઓ પાસે પોતે જઈ રહી છે. સરકારે ભેદભાવ સમાપ્ત કર્યો છે. લાભાર્થીઓમાં સરકાર ધર્મ કે જ્ઞાતિ જોતી નથી, પરંતુ બધાને એકસમાન લાબ મળે છે, જ્યાં કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સંમભાવ છે. ગુજરાતમાં ગરીબ હોય કે મધ્યમ વર્ગ પણ સૌનું જીવન સરળ કરવાનો પ્રયત્ન છે. વિકાસની આ ગતિને નિરંતર બનાવી રાખવાની છે.”

આ પણ વાંચો: કચ્છ ગુજરાતનું જ નહીં, સમગ્ર ભારતનું ગૌરવ છે

નરેન્દ્ર મોદીએ શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે, “આજે મુખ્યપ્રધાન ખાદીના શર્ટ-પેન્ટમાં જોવા મળ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવમાં વિકાસમાં શિક્ષકોનો મહત્ત્વનો ફાળો છે. એક સમયે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ 40 ટકા આસપાસ હતો. આજે 3 ટકા કરતા ઓછો છે. આ ગુજરાતના શિક્ષકોના સહયોગથી જ સંભવ થયું છે.” તેમણે ભૂતપૂર્વ શિક્ષકોને સાથે લાવી શાળાનો જન્મદિવસ ઊજવવાની પણ વાત કહી.”

gujarat gujarat news ahmedabad narendra modi