ઇલેક્શનની જાહેરાત થાય એ પહેલાં જાહેરાતો અને લોકાર્પણ કરવા મોદી આજે ગુજરાતમાં

22 February, 2024 09:53 AM IST  |  Mumbai | Shailesh Nayak

અમદાવાદ, મહેસાણા, સુરત અને નવસારી જિલ્લામાં રેલ, હાઇવે, ટેક્સટાઇલ માટે પીએમ મિત્ર પાર્ક, ઍર ફોર્સ સ્ટેશન માટે રનવે, પેટ્રોલિયમ, કુદરતી તેલ, શહેરી વિકાસ સહિતના અનેકવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ : આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. સવારથી લઈને મોડી સાંજ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યોજાનારા એક પછી એક ભરચક કાર્યક્રમમાં તેઓ વ્યસ્ત રહેશે. અમદાવાદ, મહેસાણા, સુરત અને નવસારી જિલ્લામાં રેલ, હાઇવે, ટેક્સટાઇલ માટે પીએમ મિત્ર પાર્ક, ઍર ફોર્સ સ્ટેશન માટે રનવે, પેટ્રોલિયમ, કુદરતી તેલ, શહેરી વિકાસ સહિતના અનેકવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમ જ કાકરાપાર ખાતે ૭૦૦ મેગાવૉટની ક્ષમતા ધરાવતા બે યુનિટ દેશને સમર્પિત કરશે. વડા પ્રધાનના આગમન ટાણે નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં ૧૫૦૦ ગ્રામીણ મહિલાઓ એકસરખી સાડી પહેરીને તેમ જ ૧૩૦૦ યુવાનો મોદીના ફોટોવાળા ટી-શર્ટ પહેરીને વડા પ્રધાનને આવકારશે. 
અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઑપ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદની સુવર્ણ જયંતી નિમિત્તે સહકાર સંમેલન યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અને જનસભાને સંબોધશે. અમદાવાદથી તેઓ મહેસાણા જિલ્લાના વિસનગર પાસે આવેલા તરભ ગામે જશે. આ ગામમાં વાળીનાથ ભગવાનના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ જનસભાને સંબોધશે તેમ જ અનેકવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

નરેન્દ્ર મોદી સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ખાતે જશે, જ્યાં અણુ વિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત ૭૦૦–૭૦૦ મેગાવૉટના બે પાવર પ્લાન્ટ દેશવાસીઓને સમર્પિત કરશે. ૨૨,૫૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત આ બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના યુનિટ ૩ અને ૪ સાથે કાકરાપાર અણુ વિદ્યુત મથકની ક્ષમતા ૧૮૦૦ મેગાવૉટની થઈ જશે. અહીં પ્રેશરાઇઝ્ડ હેવી વૉટર રીઍક્ટર પદ્ધતિના બે યુનિટ ભારતની આત્મનિર્ભરતાના પ્રતીક છે, જે ભારતીય વૈજ્ઞાનીઓ અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ૧૦,૦૭૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત વડોદરા–મુંબઈ એક્સપ્રેસવેનો એક હિસ્સો શરૂ થશે, જેમાં વડોદરા–મુંબઈ એક્સપ્રેસવેના મનુબરથી વડોદરા સુધીના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂરું થયું છે, જેનું વડા પ્રધાન લોકાર્પણ કરશે.
આજે સાંજે નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામ પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક સાઇટ ખાતે નરેન્દ્ર મોદી પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરીને ૪૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

gujarat news narendra modi bharatiya janata party national news navsari mehsana ahmedabad surat