દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીને મોદીએ કર્યાં મોરપીંછ અર્પણ

26 February, 2024 09:46 AM IST  |  Dwarka | Gujarati Mid-day Correspondent

ભગવાં વસ્ત્રોમાં કમરે મોરપીંછ લગાવીને વડા પ્રધાને સ્કૂબા ડાઇવિંગ કર્યું. દ્વારકાની સભામાં નરેન્દ્રભાઈએ આહીરાણીઓના રાસ-ગરબાને યાદ કરીને કહ્યું કે ત્યારે ૩૭,૦૦૦ આહીરાણીઓએ ૨૫,૦૦૦ કિલો સોનું પહેર્યું હતું

ગઈ કાલે દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના અવશેષો નિહાળીને ભાવવિભોર થઈ ગયેલા નરેન્દ્ર મોદી.

દ્વારકા :  શનિવારે રાત્રે ગુજરાત આવ્યા પછી ગઈ કાલે સવારે દેશના સૌથી લાંબા કેબલ-સ્ટેય્ડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ બેટ દ્વારકાના મંદિરમાં પૂજા-અર્ચના કરીને જગત્ મંદિરમાં દ્વારકાધીશના આશીર્વાદ લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા પાસે દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરીને ભગવાન કૃષ્ણની દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા. એ સમયે તેમની સાથે ડાઇવર્સની સાથે પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ પણ હતા. 

ભગવાં વસ્ત્રોમાં કમરે મોરપીંછ ભરાવીને વડા પ્રધાને સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. ત્યાર બાદ દ્વારકામાં જનસભાને સંબોધતાં આ અનુભવ વિશે તેમણે કહ્યું હતું કે ‘આજે મારું વર્ષોનું સપનું સાકાર થયું છે. દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના અવશેષોનાં દર્શન કરવાં એ એક દિવ્ય અનુભવ હતો. હું મારી સાથે જે મોરપીંછ લઈ ગયો હતો એ મેં દ્વારકા નગરીને અર્પણ કર્યાં હતાં. આજે મને આધ્યાત્મિક ભવ્યતા અને અનંત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલો હોઉં એવો અનુભવ થઈ રહ્યો છે. દ્વારકાધીશ આપણને સૌને આશીર્વાદ આપે.’

ત્યાર બાદ તેમણે થોડા દિવસ પહેલાં આહીરાણીઓએ દ્વારકા નગરીમાં કરેલા રાસ-ગરબાના વાઇરલ થયેલા વિડિયોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘અમુક લોકોએ મને જ્યારે પૂછ્યું કે ૩૭,૦૦૦ આહીરાણીઓએ એકસાથે રાસ-ગરબા કર્યા એ એક રેકૉર્ડ હતો. ત્યારે મેં તેમને કહ્યું કે ૩૭,૦૦૦ આહીરાણીઓ પોતાના શરીર પર ૨૫,૦૦૦ કિલો સોના સાથે રાસ-ગરબા કરતી હતી એની તમને જાણ નહીં હોય.’

gujarat news narendra modi dwarka national news