ગુજરાતથી કાચું તેલ હવે હરિયાણાની રિફાઇનરીમાં જશે

26 February, 2024 10:39 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાનના હસ્તે રાજકોટથી પાંચ એઇમ્સ સહિત ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયાં

ગઈ કાલે રાજકોટમાં લોકોનું અભિવાદન ઝીલી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

રાજકોટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટથી ગુજરાતની પ્રથમ એઇમ્સ, ગુજરાતની સૌથી ઊંચી મૅટરનિટી ઍન્ડ ચાઇલ્ડ હૉસ્પિટલ સહિત દેશના વિવિધ ભાગો માટે ૪૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ-પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યાં હતાં. રાજકોટમાં એઇમ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાને જૂના ઍરપોર્ટથી  રેસકોર્સ ખાતે સભાસ્થળ સુધી યોજાયેલા રોડ-શોમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે રેસકોર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં જ યોજાતા આ પ્રકારના વિકાસના કાર્યક્રમને રાજધાની ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોમાં પણ પહોંચાડ્યા છે જેનો સાક્ષી આજનો કાર્યક્રમ છે. 

સવારે દ્વારકાના દરિયામાં ડૂબકી મારીને, પૌરાણિક દ્વારકાનાં દર્શન, એના અવશેષોના સ્પર્શ તથા પૂજનના મળેલા અવસરને વડા પ્રધાને પૌતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. એ અનુભવ વિશે તેમણે કહ્યું હતું કે ‘હું ઊંડા પાણીમાં વિચારતો હતો કે એ સમયે પ્રાચીન ભારતના વૈભવ અને વિકાસનું સ્તર કેટલું ઊંચું રહ્યું હશે. સમુદ્રમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરીને દ્વારકાની પ્રેરણા અહીં સાથે લઈને આવ્યો છું, જેનાથી વિકાસ અને વિરાસતના મારા સંકલ્પને નવી તાકાત અને ઊર્જા મળી છે. હવે વિકસિત ભારતના સંકલ્પ સાથે દૈવી વિશ્વાસ પણ જોડાઈ 
ગયો છે.’

વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે ‘આજે અહીંથી ૪૮,૦૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ દેશને મળ્યા છે. નવી મુન્દ્રા-પાણીપત પાઇપલાઇનના શિલાન્યાસથી ગુજરાતથી કાચું ઑઇલ હરિયાણાની રિફાઇનરી સુધી જશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રને રોડ, બ્રિજ, ડબલ રેલવે ટ્રૅક, આરોગ્ય, શિક્ષણ સહિત અનેક સુવિધાઓ મળી છે અને હવે એઇમ્સ પણ રાજકોટને સમર્પિત છે.’
માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં, સમગ્ર દેશવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક હોવાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થાના આરોગ્ય ક્ષેત્રનું માળખું કેવું હોય એની ઝલક રાજકોટમાં જોવા મળી રહી છે. દેશમાં ૫૦ વર્ષ સુધી માત્ર એક એઇમ્સ હતી અને સાત દાયકા સુધીમાં માત્ર સાત એઇમ્સને મંજૂરી અપાઈ હતી, પરંતુ એક પણ પૂરી થઈ નહોતી. જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં જ સાત નવી એઇમ્સનાં શિલાન્યાસ અને લોકાર્પણ થયાં છે.’

છેલ્લા દશકમાં આરોગ્યની માળખાકીય સુવિધાઓના થયેલા વિકાસ વિશે વડા પ્રધાને કહ્યું હતું કે ‘નાની બીમારીઓ સામે રક્ષણ મેળવવા ગામડે-ગામડે ૧.૫૦ લાખ જેટલાં આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવાયાં છે. ૧૦ વર્ષ પહેલાં દેશમાં ૩૭૦થી ૩૮૦ જેટલી મેડિકલ કૉલેજો હતી. આજે દેશમાં ૭૦૦થી વધારે મેડિકલ કૉલેજો છે. એમબીબીએસની ૫૦,૦૦૦ સીટો વધીને આજે એક લાખ જેટલી થઈ છે. મેડિકલ પોસ્ટ-ગ્રૅજ્યુએશનની ૩૦,૦૦૦ સીટો આજે વધીને ૭૦,૦૦૦ થઈ છે. દેશમાં ૬૪,૦૦૦ કરોડ રૂપિયાનું આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ચાલી રહ્યું છે. આજે સરકારની પ્રાથમિકતા બીમારીઓથી બચાવવાની જ નહીં, પરંતુ બીમારીઓની સામે લડવાની ક્ષમતા વધારવાની પણ છે. આજે દેશમાં પોષણ, યોગ, આયુષ, સ્વચ્છતા પર ભાર અપાઈ રહ્યો છે જેનાથી લોકોની બીમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો થયો છે.’

રાજકોટ ખાતેનાં સંસ્મરણો વાગોળતાં વડા પ્રધાને કહ્યું હતું કે આજથી ૨૨ વર્ષ પહેલાં રાજકોટ ખાતેથી ​વિધાનસભ્ય બન્યા બાદ રાજકોટના વિધાનસભ્ય તરીકે લીધેલા શપથનું ઋણ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ સાથે આજે ચૂકવી રહ્યો છું. રાજકોટવાસીઓએ આપેલા પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે ‘આખો દેશ વડા પ્રધાન પર આશીર્વાદ વરસાવે છે એ રાજકોટને આભારી છે. ખૂબ લાંબો સમય થયો હોવા છતાં રાજકોટની જનતાનો મારા પરનો પ્રેમ યથાવત્ રહ્યો છે અને આ પ્રેમ વ્યાજ સાથે ચૂકવવાનો હું સદા પ્રયાસ કરીશ.’

gujarat news narendra modi rajkot national news