૧૦ લાખ કરોડના ટર્નઓવરવાળા ડેરી સેક્ટરની મુખ્ય કર્તાધર્તા દેશની નારીશક્તિ

23 February, 2024 09:24 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી પ્રસંગે આવા શબ્દોમાં કરી બહેનોનાં કાર્યની સરાહના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી પ્રસંગે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોનાં કાર્યની સરાહના કરતાં કહ્યું હતું કે ‘૧૦ લાખ કરોડના ટર્નઓવરવાળા ડેરી સેક્ટરમાં ૭૦ ટકા કામ કરનારી આપણી માતા, બહેનો, દીકરીઓ છે. ભારતની ડેરી સેક્ટરની અસલ રીડ, બૅકબોન આ મહિલાશક્તિ છે. આજે અમૂલ સફળતાની જે ઊંચાઈ પર છે એ ફક્ત અને ફક્ત મહિલાશક્તિના કારણે છે. ભારતમાં ૧૦ લાખ કરોડના ટર્નઓવરવાળા ડેરી સેક્ટરની મુખ્ય કર્તાધર્તા દેશની નારીશક્તિ છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરાઈ હતી.  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગુજરાતનાં ગામડાંઓએ મળીને ૫૦ વર્ષ પહેલાં જે છોડ વાવ્યો હતો એ આજે વિશાળ વૃક્ષ બની ગયું છે. આ વિશાળ વટ વૃક્ષની શાખાઓ આજે દેશ-વિદેશ સુધી ફેલાઈ ચૂકી છે. આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રૅન્ડ બની, પરંતુ અમૂલ જેવું કોઈ નહીં. આજે અમૂલ ભારતના પશુપાલકોના સામર્થ્યની ઓળખ બની ચૂક્યું છે. અમૂલ એટલે વિશ્વાસ, વિકાસ અને જનભાગીદારી. અમૂલ એટલે કિસાન સશક્તીકરણ. અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા. આજે દુનિયાના ૫૦થી વધુ દેશોમાં અમૂલની પ્રોડક્ટની નિકાસ થાય છે. ૧૮થી વધુ દૂધ સહકારી મંડળી, ૩૬ લાખ ખેડૂતોનું નેટવર્ક અને રોજ સાડાત્રણ કરોડ લિટરથી વધુ દૂધનું સંગ્રહ. પશુપાલકોને ૨૦૦ કરોડથી વધુનું ઑનલાઇન પેમેન્ટ, આ આસાન નથી.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘અમૂલનો પાયો સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયનના રૂપમાં નખાયો હતો. સમયની સાથે ડેરી સહકારીતા ગુજરાતમાં વધુ વ્યાપક થતી ગઈ અને પછી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બન્યું. સરકાર અને સહકારની તાલમેલનું બહેતરીન મૉડલ છે. આવા પ્રયાસોના કારણે આજે આપણે દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છીએ. હું છેલ્લાં ૧૦ વર્ષની વાત કરું તો ભારતમાં દૂધ ઉત્પાદનમાં લગભગ ૬૦ ટકાની વૃદ્ધિ થઈ છે. દુનિયામાં ડેરી સેક્ટર ફક્ત ૨ ટકાના દરથી આગળ વધી રહ્યું છે, જ્યારે ભારતમાં ડેરી સેક્ટર ૬ ટકાના દરથી આગળ વધી રહ્યું છે.’ 

gujarat news narendra modi bharatiya janata party surat national news