આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નરી આંખે જોઈને ભુજવાસીઓ થયા રોમાંચિત

13 December, 2024 12:31 PM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને એની હવાઈ સીમાઓ પર નિયંત્રણ મૂક્યાં છે એટલે હવે કચ્છ પરથી પસાર થાય છે પચાસથી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ

જુઓ આ દૃશ્યો

ભુજમાં ગઈ કાલે એક તરફ જ્યારે ભારે ઠંડી પડી રહી હતી ત્યારે આકાશમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય વિમાનોને નરી આંખે જોઈને લોકો રોમાંચિત થઈ ઊઠ્યા હતા. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા એની હવાઈ સીમાઓ પર કેટલાંક નિયંત્રણો લાદવામાં આવતાં આંતરરાષ્ટ્રીય ઍર ટ્રાફિકનો માર્ગ બદલાયો છે અને હવે ૫૦ જેટલાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો મુંદ્રા અને ભુજના આકાશ પરથી પસાર થઈ રહ્યાં છે.

સામાન્ય સંજોગોમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો જમીનથી ૩૭,૦૦૦ ફુટથી વધુની ઊંચાઈએથી થતાં હોવાથી એ જ્યારે પસાર થાય છે ત્યારે એનો કોઈ અવાજ સંભળાતો નથી અને આકાશમાં એ પસાર થયા બાદ કોઈ છાપ પણ ઊપસતી નથી. જોકે ભારે ઠંડીને કારણે વિમાનો દ્વારા જેટ સ્પીડથી વિસર્જિત કરાતી હવાઓનું તરત બાષ્પીભવન થઈ જાય છે અને એમાંથી બરફના સ્ફટિક બને છે જેને કારણે ટ્યુબલાઇટ જેવી સિલ્વર કલરની એક સીધી રેખા વિમાનની પાછળના ભાગે આકાશમાં દોરાઈ જાય છે જેના આગળના ભાગમાંથી વિમાન સરકતું હોવાનું નરી આંખે સ્પષ્ટ જોવા મળે છે.

ગઈ કાલે સાંજે પોણાછથી સાડાછ વાગ્યા દરમ્યાન ૬ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ લોકોએ નરી આંખે જોઈ હતી. આ સંદર્ભે કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર ‘સાગર’નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઇતિહાદ ઍરવેઝની છે અને એનું એક વિમાન બોઇંગ ૭૮૭ અબુધાબીથી બૅન્ગકૉક જઈ રહ્યું હતું, બીજું દુબઈથી ચીન તરફ તથા એક ઍરબસ કુવૈતથી ચીનના શેનઝેન તરફ જઈ રહી હતી જે કાર્ગો પ્લેન હોવાનું જાણવા મળે છે. મોડી સાંજે દિલ્હીથી દુબઈ જતું ઍર ઇન્ડિયાનું વિમાન પણ લોકોને નરી આંખે જોવા મળ્યું હતું. અન્ય એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અબુધાબીથી થાઇલૅન્ડના ફુકેત તરફ જઈ રહી હતી.’

bhuj gujarat news ahmedabad kutch air india gujarat