‘સેવા’ના સ્થાપક ઈલાબહેન ભટ્ટની સ્મૃતિમાં આજે વડોદરા ખાતે નિવાપાંજલિ કાર્યક્રમનું આયોજન

10 November, 2022 10:25 AM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

સભામાં વડોદરાના અગ્રણી લેખકો, કલાકારો, ચિંતકો સિતાંશુ યશશ્ચન્દ્ર, ગુલામમોહમ્મદ શેખ, શિરીષ પંચાલ, ૨જની દવે, હસિત મહેતા અને ઈલાબહેન ભટ્ટ વિશેનાં સ્નેહસંભારણા રજૂ કરશે

ફાઇલ તસવીર

સેલ્ફ ઇમ્પલોઇડ વિમેન્સ એસોસિયેશન ‘સેવા` (Self Employed Women`s Association)નાં સ્થાપક અને ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. ઈલાબહેન ભટ્ટ (Ela Bhatt)નું ૨ નવેમ્બરે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેમની સ્મૃતિમાં પ્રો. લોર્ડ ભીખુ પારેખની અધ્યક્ષતામાં એક અંજલીસભાનું આયોજન આજે (૧૦ નવેમ્બર ૨૦૨૨)ના બળવંત પારેખ સેન્ટર, વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સાંજે ૫:૩૦ વાગ્યે શરૂ થશે.

સભામાં વડોદરાના અગ્રણી લેખકો, કલાકારો, ચિંતકો સિતાંશુ યશશ્ચન્દ્ર, ગુલામમોહમ્મદ શેખ, શિરીષ પંચાલ, ૨જની દવે, હસિત મહેતા અને ઈલાબહેન ભટ્ટ વિશેનાં સ્નેહસંભારણા રજૂ કરશે. ‘સેવા` સાથે સંલગ્ન બહેનો પોતાની વાત કરશે અને ગીતો પ્રસ્તુત કરશે. તેમ જ યુવા પેઢીના લેખકો પણ આમાં જોડાશે.

બ્રિજેશ પંચાલ, ઈલાબહેન ભટ્ટ વિશેની પોતાની સ્વરચિત કવિતાનું પઠન કરશે અને ઈલાબહેનનાં લેખનમાંથી પીયૂષ ઠક્કર પઠન કરશે. કાર્યક્રમનું સંચાલન કરશે વાર્તાકાર નીતાબહેન જોશી. કાર્યક્રમનું આયોજન વડોદરાના સંવેદનશીલ નાગરિકો દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૌ વિચારશીલ નાગરિકોને સહભાગી થશે.

ઉલ્લેખનીય છે કે તેમના સમાજલક્ષી કાર્યોને દેશ-દુનિયામાં બિરદવાયા છે. તેમને રેમન મેગ્સેસે, પદ્મશ્રી, પદ્મભૂષણથી જેવા પ્રતિષ્ઠિત સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમને વર્ષ 1984માં રાઈટ લાઈવલીહુડ ઍવોર્ડ પણ મળ્યો હતો. ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેમને વર્ષ ૨૦૧૦માં નીવાનો શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Gujarat Election: ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, હાર્દિક પટેલ અને રિવાબા મેદાનમાં

gujarat news vadodara