કાળઝાળ ગરમીમાં તપી રહ્યું છે ગુજરાત

22 May, 2024 08:07 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

છેલ્લા કેટલાક દિવસોથી ગરમીએ જાણે ગુજરાતને બાનમાં લીધું હોય એ પ્રકારે ગરમી પડી રહી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો ૪૫ને પાર : ૧૪ શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીથી ઉપર : અમદાવાદ સહિત ગુજરાતના ૧૭ જિલ્લાઓમાં આજથી ચાર દિવસ હીટવેવ  
છેલ્લા કેટલાક દિવસોથી ગરમીએ જાણે ગુજરાતને બાનમાં લીધું હોય એ પ્રકારે ગરમી પડી રહી છે અને કાળઝાળ ગરમીમાં ગુજરાત શેકાઈ રહ્યું છે. ગઈ કાલે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો ૪૫ને પાર પહોંચ્યો હતો, જ્યારે ૧૪ શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીથી ઉપર રહ્યું હતું જેને કારણે લોકો ગરમીમાં શેકાઈ ગયા હતા. આટલું ઓછું હોય એમ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના મળીને ૧૭ જિલ્લાઓમાં ચાર દિવસ અલગ-અલગ સ્થળોએ હીટવેવની સ્થિતિ રહેવાની ઘણી સંભાવના હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.  
ગુજરાતમાં ગઈ કાલે સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું હતું જ્યાં ૪૫.૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. એ ઉપરાંત કંડલામાં ૪૫.૩, અમદાવાદમાં ૪૫.૨, ગાંધીનગર અને અમરેલીમાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં ૪૪.૨, વલ્લભવિદ્યાનગરમાં ૪૩.૯, ભાવનગરમાં ૪૩.૮, રાજકોટમાં ૪૩.૭, ડીસામાં ૪૩, ભુજમાં ૪૨.૬, સુરત અને કેશોદમાં ૪૨ અને મહુવામાં ૪૧.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ચાર દિવસ હીટવેવ રહેવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.

gujarat news ahmedabad Weather Update indian meteorological department