21 September, 2024 08:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પદયાત્રીઓ પાસેથી પ્લાસ્ટિકની પાંચ ખાલી બૉટલ લઈને એની સામે સ્ટીલની બૉટલ ફ્રી આપવામાં આવતાં લાઇન લાગી ગઈ હતી.
‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે આવકારદાયક પહેલ થઈ હતી. મેળામાં આવનારા પદયાત્રીઓને પાંચ ખાલી પ્લાસ્ટિક બૉટલ સામે સ્ટીલની એક બૉટલ ફ્રી અપાઈ હતી અને આ સ્કીમ અંતર્ગત માઈભક્તોને ૫૦૦૦ સ્ટીલની બૉટલ ફ્રી અપાઈ હતી.
અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં આ વર્ષે અંદાજે ૩૪ લાખથી વધુ માઈભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય એ હેતુથી વિવિધ ઉદ્યોગ અસોસિએશનના સહયોગથી પદયાત્રાના ત્રણ રૂટ પર ત્રણ સ્થળોએ પદયાત્રીઓને પાંચ ખાલી પ્લાસ્ટિકની બૉટલ સામે એક સ્ટીલની બૉટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા આ અભિયાને સારો પ્રતિસાદ મળ્યો હતો. કુલ ૭૪,૮૦૦ પ્લાસ્ટિકની ખાલી બૉટલ આવી હતી અને એની સામે ૫૦૦૦ સ્ટીલની બૉટલો પદયાત્રીઓને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ ત્રણ રૂટ પર ૧૨થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન ૭૩ ટનથી વધુ કચરો સ્વયંસેવકોએ ભેગો કર્યો હતો.