સમાજ પાસે બે હાથ જોડીને માફી માગું છું

30 March, 2024 02:09 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગોંડલમાં એકઠા થયેલા BJPના ક્ષત્રિય આગેવાનો સમક્ષ પરષોત્તમ રૂપાલાએ આમ કહીને કહ્યું કે મારાથી થયેલાં ઉચ્ચારણોથી મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે: જોકે ગુજરાતમાં રાજપૂત સમાજનો રોષ હજી પણ યથાવત્

પરષોત્તમ રૂપાલા

કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ગઈ કાલે ગોંડલમાં વધુ એક વખત રાજપૂત સમાજની માફી માગતાં કહ્યું હતું કે આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માગું છું.

જોકે એક તરફ ગુજરાતમાં ગઈ કાલે પણ પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનો રોષ યથાવત્ જોવા મળ્યો હતો તો બીજી તરફ ગોંડલમાં BJPએ હાથ ધરેલી ડૅમેજ કન્ટ્રોલની કવાયતમાં BJPના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં વિવાદનો અંત જાહેર કરાયો હતો.

પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજને લઈને રોટી-બેટી વ્યવહાર જેવા શબ્દો સાથે જે સ્ટેટમેન્ટ કર્યું હતું એનાથી ગુજરાતભરમાં પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજમાં વિરોધનો વંટોળ ઊભો થતાં BJPએ આ વિવાદનો ઉકેલ લાવવા માટે તેમના પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજાના ગોંડલ પાસેના ગામે ફાર્મહાઉસમાં ગઈ કાલે સાંજે BJP સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પરષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની માફી માગતાં કહ્યું હતું કે ‘મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઇફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકૉર્ડ મારી આખી લાઇફમાં નથી. અમે કાર્યક્રમ બંધ કરી કરસનદાસ સાગઠિયાના ભજન છે એને હાટુ થઈ ગયા હતા એમાં મારાથી થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે. આ સમાજ પાસે હું બે હાથ જોડીને માફી માગું છું. સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. જે કંઈ સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું.’

gujarat news ahmedabad bharatiya janata party