10 May, 2024 03:48 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Ahmedabad School Bomb Threat Case: અમદાવાદની 10 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસનો પર્દાફાશ કર્યો છે અને તેમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ પાકિસ્તાનથી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તે આઈડી ટ્રેસ કર્યું છે, જ્યાંથી મેઈલ આવ્યો હતો. જોકે, આ માટે રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હકીકતમાં, અમદાવાદમાં તાજેતરમાં શહેરની 10 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ આવ્યો ત્યારે હંગામો મચી ગયો હતો. આ પછી પોલીસે ઝડપથી શોધખોળ શરૂ કરી. જોકે, પાછળથી તેને નકલી ધમકી તરીકે ઓળખવામાં આવી હતી. પોલીસે તમામ શાળાઓની તપાસ કર્યા બાદ તેને નકલી જાહેર કરી હતી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ પોલીસ, બોમ્બ વિરોધી ટુકડી, ડોગ સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ શાળાઓમાં પહોંચી હતી અને તેમની સંપૂર્ણ તપાસ કરી હતી. જોકે, સર્ચ ઑપરેશન દરમિયાન કોઈ વિસ્ફોટકો મળી આવ્યા ન હતા.
ક્રાઈમ બ્રાન્ચે લોકોને ગભરાવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ ધમકી નકલી છે. જે સ્કૂલોને ધમકીનો ઈમેલ મળ્યો છે તેમાં બોપલમાં ડીપીએસ અને આનંદ નિકેતન, એસજી હાઈવે પરની ઉદગમ સ્કૂલ, ઘાટલોડિયામાં કેલોરેક્સ સ્કૂલ, ચાંદખેડામાં કેન્દ્રીય વિદ્યાલય અને ઍરપોર્ટ રોડ પર આર્મી કેન્ટોનમેન્ટ કેનો સમાવેશ થાય છે. ઉદગમ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર ધીમંત ચોક્સીએ કહ્યું કે, “ઈમેઇલ મોકલનાર વ્યક્તિએ અમારી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. અમારી શાળામાં 24 કલાક સુરક્ષા છે. અમને બહારથી કોઈ પાર્સલ મળ્યું ન હતું અને અમારી શાળાના દરવાજા પણ બંધ હતા.”
તમને જણાવી દઈએ કે, આ જ તર્જ પર દિલ્હીની શાળાઓને પણ ઈમેલ મળ્યા હતા, જેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. દિલ્હીની 100થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. જોકે, બાદમાં આ નકલી સાબિત થઈ હતી. આ અંગે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, બોમ્બ સંબંધિત ઈમેલ મોકલવાનો હેતુ, “સામૂહિક ગભરાટ ફેલાવવાનો અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો હતો.” આ દાવો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલી FIRમાં કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની કેટલીક સ્કૂલોને સુદ્ધાં બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સમચાર બાદ સ્કૂલ પ્રશાસન ચિંતામાં મુકાયું છે અને સાથે જ ગુજરાત પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર બોમ્બથી ઉડાડી દેવાના જે ઈમેઈલ સ્કૂલોને મોકલવામાં આવ્યા છે તેમાં ઘાટલોડિયા વિસ્તારની આનંદ નિકેતન તેમ જ ચાંદખેડા વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય સાથેની બીજી સાત સ્કૂલનો સમાવેશ થાય છે. આ તમામ સ્કૂલોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ રીતે અન્ય અનેક શાળાઓની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ કરવામાં આવ્યો છે., જેવી રીતે દિલ્હીની સ્કૂલોને કરવામાં આવ્યો હતો તે જ રીતે અહીં પણ કરવામાં આવ્યો છે. જેમને ધમકી ભર્યા મેલ આવ્યા છે તે તમામ શાળાઓને ધમકી મળતા પોલીસતંત્ર સુરક્ષાના ભાગરૂપે દોડતું થઈ ગયું છે.