૩૨,૫૪,૨૨૫થી વધુ માઈભક્તોએ અંબાજી મંદિરમાં શીશ નમાવ્યું

19 September, 2024 01:33 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બે કરોડ ૬૬ લાખ રૂપિયાથી વધુની રકમ ભાવથી અર્પણ કરી અને ૫૦૪.૬૭૦ ગ્રામ સોનું ચડાવ્યું

ભાદરવી પૂનમના છેલ્લા દિવસે પણ અંબાજી મંદિર તરફ માઈભક્તોનો પ્રવાહ અવિરત વહ્યો હતો

ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૩૨,૫૪,૨૨૫થી વધુ માઈભક્તોએ મંદિરમાં શીશ નમાવી અંબે માતાજીના યંત્રનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

ભાદરવી પૂનમના છેલ્લા દિવસે પણ માઈભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો.

ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં માઈભક્તોએ મંદિર પર ૩,૧૩૪ ધજા ચડાવી હતી. મોહનથાળના પ્રસાદનાં ૧૯,૫૯,૩૮૧ પૅકેટ અને ચિક્કીના પ્રસાદનાં ૪૦,૦૬૫ પૅકેટ ખરીદીને લઈ ગયા હતા તેમ જ ૨,૬૬,૩૭,૬૨૦ રૂપિયાથી વધુની રકમ ભાવથી માઈભક્તોએ અર્પણ કરી હતી અને ૫૦૪.૬૭૦ ગ્રામ સોનું ચડાવ્યું હતું.

જગત જનની અંબે માતાજીને પ્રિય ગણાતાં અષ્ટ સુગંધિત દ્રવ્યોમાંથી અત્તર બનાવીને માતાજીને અર્પણ કરાયું હતું. શ્રી વિદ્યામાં ગંધાષ્ટકમનું વર્ણન છે; જેમાં ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશીર અને કઠુ નામની વસ્તુઓના દ્રવ્યમાંથી ખાસ અત્તર બનાવીને માતાજીને અર્પણ કરાયું હતું.

ambaji gujarat gujarat news