અષાઢી બીજે સુરત ડાયમન્ડ બુર્સમાં ૨૫૦ ઑફિસ ઉદ્ઘાટન માટે સજ્જ?

03 July, 2024 03:12 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

SDBને ધમધમતું કરવા માટે ૧૮ એપ્રિલે SDBની કમિટીની ટીમ મુંબઈમાં આવી હતી અને ભારત ડાયમન્ડ બુર્સમાં મુંબઈના હીરાના વેપારીઓ સાથે બેઠક કરી હતી

ફાઇલ તસવીર

સુરતમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સુરત ડાયમન્ડ બુર્સ (SDB)નું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ૧૭ ડિસેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. જોકે કામકાજ કરવા માટેનું વાતાવરણ તૈયાર ન થયું હોવાથી હજી સુધી SDBમાં હીરાના વેપારીઓએ ઑફિસો લીધી હોવા છતાં ધંધો શરૂ નથી કર્યો. SDBને ધમધમતું કરવા માટે ૧૮ એપ્રિલે SDBની કમિટીની ટીમ મુંબઈમાં આવી હતી અને ભારત ડાયમન્ડ બુર્સમાં મુંબઈના હીરાના વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં SDBમાં કામકાજ શરૂ કરવા માટે આવતી અડચણોની માહિતી લેવામાં આવી હતી અને તેઓ ક્યારથી SDBમાં ઑફિસો શરૂ કરી શકશે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબઈના ૨૫૦ જેટલા વેપારીઓએ ૭ જુલાઈએ આવતી અષાઢી બીજે SDBમાં ઑફિસો શરૂ કરવાનું કહ્યું હતું. 
ધર્મનંદન ડાયમન્ડ્સના ચૅરમૅન અને SDBના મીડિયા કન્વીનર લાલજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘SDBમાં ડાયમન્ડનું કામકાજ શરૂ કરવા માટે અત્યારે ૫૦૦થી વધુ ઑફિસોનું ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે, જેમાંથી ૨૫૦ ઑફિસ ૧૦૦ ટકા તૈયાર થઈ ગઈ છે. આથી એપ્રિલ મહિનામાં નક્કી કર્યા પ્રમાણે અષાઢી બીજથી ૨૫૦ ઑફિસનું એકસાથે ઉદ્ઘાટન કરવામાં આવશે. બાકીની ઑફિસો પણ દિવાળી સુધીમાં શરૂ થવાની શક્યતા છે.’

ઉલ્લેખનીય છે કે SDBમાં ૪૩૦૦ ઑફિસ બનાવવામાં આવી છે, જેમાંથી ૬૦ ટકા એટલે કે ૨૫૮૦ ઑફિસ મુંબઈમાં ડાયમન્ડનું કામકાજ કરતા વેપારીઓએ ખરીદી છે. અષાઢી બીજે ૨૫૦ ઑફિસમાં કામકાજ શરૂ થઈ રહ્યું છે એમાં પણ મોટા ભાગના વેપારીઓ મુંબઈના જ છે એવો દાવો કરવામાં આવ્યો છે.

surat surat diamond burse diamond market gujarat gujarat news