19 September, 2023 10:22 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કરજણના વ્યાસબેટ પર ફસાયેલી ૧૨ વ્યક્તિને આર્મીએ બચાવી લીધી હતી.
અમદાવાદ ઃ ગુજરાતમાં વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ૧૨,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું, જ્યારે ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.
ગુજરાતના રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ કહ્યું હતું કે ‘ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી બપોરે બે વાગ્યા સુધીમાં ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, ઍરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજી પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને અલર્ટ રાખવામાં આવ્યું છે.’
બીજી તરફ ગુજરાતના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘સરદાર સરોવર ડૅમ ભરાય એટલું પાણી દોઢ દિવસમાં ડૅમમાં આવ્યું છે.’