‘રન ફૉર વોટ’માં જાણે આખું ગુજરાત દોડ્યું

06 May, 2024 07:24 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સવાર-સવારમાં અમદાવાદમાં ૨૫૦૦થી વધુ શહેરીજનો મતના મેસેજ માટે દોડ્યા: અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે મતજાગૃતિ

અમદાવાદમાં ‘રન ફૉર વોટ’માં લોકો જોડાયા હતા.

અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસારના હેતુથી અમદાવાદના રિવરફ્રન્ટ પર ‘રન ફૉર વોટ’નું આયોજન થયું હતું. ‘રન ફૉર વોટ’માં યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો સહિત શહેરીજનો જોડાયા હતા અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. આ દોડ સાબરમતી ઇવેન્ટ સેન્ટરથી સ્પોર્ટ્સ સેન્ટર થઈને અટલબ્રિજ પરત ફરી હતી.

કચ્છમાં ભુજ ખાતે જ્યુબિલી ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિ માટે ‘રન ફૉર વોટ’ યોજાઈ હતી. ભુજવાસીઓ મોટી સંખ્યામાં આ દોડમાં જોડાયા હતા અને લાલ ટેકરી, બસ-સ્ટૅન્ડ, કચ્છ મ્યુઝિયમ થઈ કલેક્ટર ઑફિસ સુધી આ દોડ યોજાઈ હતી. આ ઉપરાંત ગાંધીધામમાં પણ ‘રન ફૉર વોટ’ યોજાઈ હતી. ડાંગમાં આહવા ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટર કચેરીનો સ્ટાફ, શિક્ષકો, વન-કર્મચારીઓ, પોલીસ-કર્મચારીઓ અને આહવાના નાગરિકો જોડાયા હતા. ઉત્તર ગુજરાતના પાટણમાં સરદાર પટેલ રમતગમત સંકુલથી રાણકી વાવ સુધી ‘રન ફૉર વોટ’ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર, ખંભાળિયા સહિતનાં સ્થળોએ મતદાન અભિયાનના ભાગરૂપે યોજાયેલી દોડમાં હજ્જારો નાગરિકોએ ભાગ લીધો હતો.

gujarat news ahmedabad Lok Sabha Election 2024 gujarat bhuj