10 October, 2024 12:42 PM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
ઢોલ અને શરણાઈની સંગતમાં ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમના ગરબામાં ઘૂમી રહેલા ખેલૈયાઓ.
ગુજરાતમાં લાઉડસ્પીકર સાથે ગરબાના કાર્યક્રમ કરવાની ટાઇમલિમિટ રાતે બાર વાગ્યા સુધીની હોવાથી હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં માઇક-સિસ્ટમ પર ગરબા બંધ થયા બાદ મધરાતે ઢોલ-શરણાઈના સૂર-તાલ પર ગરબાની રમઝટ જામી રહી છે અને ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમીને આનંદ-ઉલ્લાસ મનાવી રહ્યા છે.
Navratri 2024: અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં ઘણીબધી જગ્યાએ યોજાતા ગરબાના કાર્યક્રમમાં રાતે બાર વાગ્યે માઇક-સિસ્ટમ બંધ કરી દીધા બાદ ગરબા રમવાના બંધ થતા નથી. ખેલૈયાઓ માત્ર ઢોલ અને શરણાઈ જેવાં પરંપરાગત વાદ્યોના સૂર-તાલમાં ગરબે ઘૂમે છે. ગાંધીનગરમાં યોજાતા કલ્ચરલ ફોરમના ગરબામાં મધરાતે દસેક ઢોલીઓ અને ચાર-પાંચ શરણાઈવાદકો પરંપરાગત ગરબા રમાડવાની શરૂઆત કરે છે અને ખેલૈયાઓ રાઉન્ડ કરીને ગરબે ઘૂમે છે. લોકો એટલી મોટી સંખ્યામાં હોય છે કે ઢોલ અને શરણાઈવાદકોની આસપાસ પાંચથી વધુ રાઉન્ડ કરીને ખેલૈયાઓ ગરબે ઘૂમવામાં મશગૂલ બની જાય છે.