અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તિભાવ સાથે ઊજવાયો નેત્રોત્સવ

06 July, 2024 08:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સાધુ-સંતો માટે કાલી રોટી ધોલી દાલનો ભંડારો, મામાના ઘરેથી પ્રભુ નિજ મંદિરે પરત આવતાં રથયાત્રાના ઉત્સવની ચહલપહલ શરૂ : મોસાળમાં બુંદી, મોહનથાળ, ગાંઠિયા, ફૂલવડી સહિતના ભાવતા ભોજનની તૈયારીઓ શરૂ

અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની નેત્રોત્સવવિધિ યોજાઈ હતી અને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ગઈ કાલે જગન્નાથ મંદિરમાં ભગવાન નિજ મંદિરે પરત ફરતાં ભક્તિભાવ સાથે નેત્રોત્સવની ઉજવણી થઈ હતી અને વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાની ચહલપહલ શરૂ થઈ છે. બીજી તરફ રથયાત્રા મોસાળમાં આવવાની હોવાથી મોસાળમાં મોહનથાળ, બુંદી, ગાંઠિયા, ફૂલવડી સહિતના ભાવતા ભોજનની તૈયારીઓ શરૂ થઈ છે.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી ગઈ કાલે મામાના ઘરે સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં હતાં. લોકવાયકા છે કે મામાના ઘરે ભગવાને કેરી, જાંબુ ખાધા હોવાથી આંખો આવી હતી જેને કારણે નિજ મંદિરે પરત ફરતાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને શાસ્ત્રોક્ત વિધિથી આંખે પાટા બાંધીને નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી. આ સમયે મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઊમટ્યા હતા. ત્યાર બાદ ધ્વજારોહણ, આરતી, પૂજા-અર્ચના કરાઈ હતી. રથયાત્રાનો પ્રસંગ હોવાથી ગુજરાત સહિત દેશભરમાંથી જગન્નાથ મંદિર આવેલા સાધુ-સંતો માટે ભંડારો યોજાયો હતો, જેમાં કાલી રોટી (માલપૂઆ) અને ધોલી દાલ (દૂધપાક)નો પ્રસાદ અપાયો હતો. મોટી સંખ્યામાં ઊમટેલા ભક્તોએ પણ ભોજન-પ્રસાદ લીધો હતો.
રવિવારે અમદાવાદમાં રથયાત્રા યોજાશે. આ રથયાત્રા બપોરે ભગવાનના મોસાળ સરસપુર પહોંચશે. ભગવાનના મોસાળમાં રથયાત્રાના દિવસે લાખો ભક્તોને જમાડવા મીઠાઈ સહિતની વાનગીઓની રસોઈનો ધમધમાટ શરૂ થયો છે. રથયાત્રામાં સામેલ થયેલી કે પછી રથયાત્રાનાં દર્શન માટે આવેલી કોઈ પણ વ્યક્તિ ભૂખી ન જાય એ માટે પ્રભુના મોસાળ સરસપુરમાં  રૂડીમાનું રસોડું, લીમડાપોળ, કડિયાની પોળ, સાળવીવાડ, લુહાર શેરી સહિત લગભગ ૧૫ જેટલી પોળોમાં રસોડાં શરૂ થઈ જાય છે અને સૌને ભોજન-પ્રસાદ અપાય છે. મોહનથાળ, ફૂલવડી, બટાટાનું શાક, પૂરી, ગાંઠિયા, બુંદીનું ભોજન સૌને પરંપરાગત રીતે પતંગમાં બેસાડીને જમાડવામાં આવે છે અને પોળના રહીશો મહેમાનોની સેવામાં લાગી જાય છે. 

gujarat news ahmedabad Rathyatra religious places