09 September, 2022 01:40 PM IST | Vadodara | Nirali Kalani
ઝીલ વ્યાસ માતા-પિતા સાથે
ગત રોજ એટલે કે ગુરુવારે NEET UG (National Eligibility Entress Test Under Gradution)નું પરિણામ જાહેર થયું. જેમાં ગુજરાતના વડોદરાની ઝીલ વ્યાસે સમગ્ર દેશમાં નવમો રેન્ક હાંસિલ કર્યો છે. જ્યારે રાજસ્થાનની તનિષ્કા દેશમાં પ્રથમ રેન્ક પર રહી છે. ઝીલ સહિત ગુજરાતના પાંચ વિદ્યાર્થીઓએ ટૉપ 50માં સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઝીલ સાથે વાત કરી હતી અને તેના ભાવિ ઉદ્દેશ અને આયોજન વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ વર્ષે દેશભરમાંથી આશરે 18 લાખ જેટલા વિદ્યાર્થીઓએ NEET UGની પરીક્ષા આપી હતી. તેમાંથી કુલ 9,93,069 વિદ્યાર્થીઓ પાસ થયા છે. નીટ યુજી ટૉપર્સની વાત કરીએ તો સૌથી પહેલા રેન્ક પર રાજસ્થાનની તનિષ્કા છે. જેણે 99.99 ટકા મેળવ્યા છે. તો ગુજરાત પણ ટોપ 10માં સામેલ છે. ઝીલ વ્યાસે 99.9992066 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. ઝીલે મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા જણાવ્યું કે `હું ધોરણ 11માં હતી ત્યારથી પરીક્ષા માટે તૈયારી કરતી હતી. મને મારી મહેનત પર વિશ્વાસ હતો એટલે પાસ થવાની ખાતરી તો હતી જ, પરંતુ ટૉપ 10માં હું નવમો રેન્ક મેળવીશ તેવી મને આશા નહોતી.`
ડૉક્ટરને આપણે ભગવવાનું બીજુ સ્વરૂપ માનીએ છીએ, અને આ સ્વરૂપ સુધી પહોંચવા અથાગ મહેનત કરવી પડી છે. ઝીલે કહ્યું કે `મને ભણવું બહુ જ ગમે છે. મેં ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ હું અભ્યાસમાં એકાગ્રતા સાથે હાર્ડવર્ક કરવા લાગી ગઈ હતી. મારો ફેવરિટ વિષય બાયોલૉજી છે. મને હંમેશા ક્લાસ બંકને બદલે વધુમાં વધુ ટાઈમ અભ્યાસમાં આપું તેવો વિચાર આવતો. જેથી હું સ્ટડી પર ફોકસ કરી શકું. બહુ વધારે તો કંઈ ત્યજવું પડ્યું નથી પણ હા, આ બે વર્ષ દરમિયાન મસ્તી ટાઈમ બંધ કરી દીધો હતો.`
દરેક વિદ્યાર્થીની પ્રગતિમાં માતા-પિતાનો મોટો ફાળો હોય છે. ઝીલના માતા-પિતાએ પણ તેને ખુબ જ સપોર્ટ કર્યો છે. તેણીને પ્રોત્સાહિત કરવા અને તેની ધગશ ટકાવી રાખવાના સતત પ્રયાસો કરતા હોય છે. ઝીલના પિતા ડૉ વિપુલ વ્યાસે કહ્યું `ઝીલ માટે અમે ખુબ જ ખુશ છીએ. તે આગળAIIMSમાં પ્રવેશ મેળવી એમબીબીએસ કરવા માગે છે. અને અમે તેની આ ઈચ્છા પુરી કરવા માટે પ્રક્રિયામાં લાગી ગયા છીએ.`
ઉલ્લેખનીય છે કે NEET UG પરીક્ષામાં બીજા નંબર પર દિલ્હીના વત્સ આશીષ બત્રા, ત્રીજા નંબર પર કર્ણાટકના ઋષિકેશ નાગભૂષણ ગંગુલે, ચોથા નંબર પર કર્ણાટકના રુચા પાવાશે અને પાંચમાં નંબર પર તેલંગાણાના એરાબેલી સિદ્ધાર્થ રાવ છે. પ્રથમ ચાર રેન્ક હાંસિલ કરનાર તમામ વિદ્યાર્થીઓએ 99.99 ટકા મેળવ્યા છે. ટાઇ બ્રેકિંગ ફોર્મ્યુલા દ્વારા તેમના રેન્ક નક્કી કરવામાં આવ્યા.