ગરબામાં મોડું થયું તો એકલી લેડીઝને પોલીસ છેક ઘર સુધી મૂકી જશે

05 October, 2024 07:14 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત પોલીસની સ્તુત્ય પહેલ, રાતે વાહન ન મળે તો ૧૦૦ અથવા ૧૮૧ નંબર પર ફોન કરવાથી મળશે મદદ : મહિલાઓની સલામતી માટે નવરાત્રિ દરમ્યાન રાજ્યમાં ૭૩૭ She ટીમનો સજ્જડ પહેરો

નવરાત્રિના પહેલા જ દિવસથી અમદાવાદમાં ઉત્સાહભેર ગરબા-કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. તસવીર : જનક પટેલ.

ગુજરાતમાં નવરાત્રિનો આનંદ-ઉત્સાહના વાતાવરણમાં પ્રારંભ થયો છે ત્યારે ગુજરાત પોલીસે ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓની સલામતી માટે વ્યવસ્થા ગોઠવી છે. ગરબા રમતાં બહેન-દીકરીઓને જો મોડું થાય અને એકલાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પોલીસને જાણ કરાશે તો પોલીસ સલામતીપૂર્વક તેમને ઘર સુધી મૂકી જશે.  

ગુજરાતમાં નવરાત્રિને આબાલવૃદ્ધ સૌકોઈ આનંદ-ઉલ્લાસથી ઊજવે છે અને ગરબામાં મન મૂકીને ઘૂમવા થનગનતા હોય છે ત્યારે નવરાત્રિમાં નાગરિકો માટે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસે કમર કસી છે. મહિલાઓ અને દીકરીઓ શાંતિથી અને નિર્ભીક થઈને માતાજીના ગરબે રમી શકે અને ત્યાર બાદ ઘરે જઈ શકે એ માટે ગુજરાત પોલીસે મહિલા પોલીસની She ટીમને ખાસ જવાબદારી સોંપી છે. ગુજરાતનાં શહેર અને જિલ્લાઓમાં 737 She ટીમનો નવરાત્રિ દરમ્યાન બંદોબસ્ત ગોઠવાયો છે. આ ટીમની મહિલા પોલીસ પરંપરાગત ડ્રેસમાં ફરજ બજાવી રહી છે અને છેડતીનો બનાવ ન બને એ માટે ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ અવાવરું જગ્યાએ પૅટ્રોલિંગ પણ કરશે. ઘરે જવા માટે કોઈ બહેન-દીકરીઓને રાતે વાહન ન મળે તો ૧૦૦ અથવા ૧૮૧ નંબર પર ફોન કરવાથી તેમને મદદ પણ કરવામાં આવશે.નવરાત્રિ દરમ્યાન પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં ૨૦૯ કન્ટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે અને CCTV કૅમેરાથી મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

gujarat news ahmedabad Garba navratri festivals Gujarat Crime