રેકૉર્ડબ્રેક પાંચ કિલોની પાઘડી અને ૭.૫ કિલોના કેડિયા સાથે ગરબા રમશે અમદાવાદનો આ યુવાન

22 September, 2024 06:51 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

છેલ્લાં આઠેક વર્ષથી ૨૮ વર્ષનો ફૅશન-ડિઝાઇનર અનુજ મુદલિયાર અલગ-અલગ થીમ પર જાજરમાન પાઘડીઓ જાતે જ બનાવે છે. આ વખતે આત્મનિર્ભર ભારતની થીમ પર બનેલી પાઘડીમાં મોદીજીને સિંહાસન પર બેસાડ્યા છે,

અનુજ મુદલિયાર

છેલ્લાં આઠેક વર્ષથી ૨૮ વર્ષનો ફૅશન-ડિઝાઇનર અનુજ મુદલિયાર અલગ-અલગ થીમ પર જાજરમાન પાઘડીઓ જાતે જ બનાવે છે. આ વખતે આત્મનિર્ભર ભારતની થીમ પર બનેલી પાઘડીમાં મોદીજીને સિંહાસન પર બેસાડ્યા છે, સુરતનું ડાયમન્ડ બુર્સ ક્રીએટ કર્યું છે અને કલકત્તાના રેપકેસ માટે પણ સંદેશ આપ્યો છે

ફોક ડાન્સ અને એમાંય ગરબાનો જબરદસ્ત શોખીન એવો ૨૮ વર્ષનો અનુજ મુદલિયાર છેલ્લાં આઠ વર્ષથી દર નવરાત્રિમાં અનોખી ડિઝાઇનર પાઘડી બનાવે છે. અત્યાર સુધી તેની પાઘડીઓ ત્રણથી ચાર કિલોની રહેતી હતી, પણ આ વખતે તેણે પાંચ કિલો વજનની પાઘડી બનાવી છે અને એમાં આત્મનિર્ભર ભારતનો સંદેશ આપ્યો છે. પાઘડીની ખાસિયત વિશે અનુજ કહે છે, ‘લગભગ અઢીથી ત્રણ મહિનાની મહેનતને અંતે મારી પાઘડી તૈયાર થઈ છે. એમાં મેં પાછળની સાઇડમાં સુરતનું ડાયમન્ડ બુર્સ તૈયાર કર્યું છે. આગળ આત્મનિર્ભર ભારતનું સપનું આપનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સિંહાસન પર બેસાડ્યા છે. એક મોટો ડાયમન્ડ બેસાડ્યો છે અને ડાયમન્ડ બુર્સનો ગેટ પણ બનાવ્યો છે. ભારતમાં આજકાલ સ્ત્રીઓની સુરક્ષાના મુદ્દે ચાલી રહેલા કલકત્તા રેપકેસને સાંકળીને એક યુવતી બનાવી છે જે સ્ત્રીઓ પર થતા અત્યાચારનો વિરોધ કરતી દર્શાવી છે.’

પાંચ કિલો વજનની પાઘડી બનાવવાનો ખર્ચ કેટલો થયો? એ વિશે અનુજ કહે છે, ‘લગભગ ૪૫થી ૫૦ હજાર રૂપિયા. ખાસ તો એમાં જે મિનિએચર આર્ટ ક્રીએટ કરવાનું હતું એ સૌથી મોંઘું પડ્યું. પાઘડીની સાથે મેં કેડિયું પણ ડિઝાઇન કર્યું છે જેનું વજન લગભગ સાડાસાત કિલો છે. આ વખતે નવરાત્રિ માટે ડિઝાઇન કરેલા મારા કૉસ્ચ્યુમનું કુલ વજન ૧૪ કિલો છે.’


પાઘડી બનાવવાનું પૅશન ક્યાંથી લાગ્યું?
પાઘડી બનાવવાનો પહેલી વાર વિચાર ૨૦૧૬માં આવેલો એમ જણાવતાં અનુજ ફ્લૅશબૅકની સ્ટોરી જણાવતાં કહે છે, ‘ગરબાનો મને ગાંડો શોખ છે. હું નાનો હતો ત્યારથી રમતો અને ઇનામ જીતતો. જોકે મેં જોયેલું કે બેસ્ટ કૉસ્ચ્યુમ માટે ઇનામ હોય છે, પણ કોઈ માથે પહેરેલી પાઘડી પર ખાસ ધ્યાન નથી આપતું. એટલે મેં મારી પોતાની જ અનોખી કૅટેગરી ઊભી કરવી પડે એવું કંઈક કરવા અવનવી પાઘડીઓ ડિઝાઇન કરવાનું નક્કી કર્યું. બસ ત્યારથી હું આખા વર્ષ દરમ્યાન ચર્ચામાં રહી હોય એવી ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખું છું અને એ થીમ પર પાઘડી જાતે જ તૈયાર કરું છું.’

gujarat news gujarat ahmedabad navratri festivals