વા વાયા, વિડિયો વાઇરલ થયો અને... અંબેમાતાના ભક્તો સાવ છેતરાઈ ગયા

19 October, 2023 07:00 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અંબાજી ગબ્બરની અખંડ જ્યોતમાં વાઘનાં દર્શન થવાનો વિડિયો જોઈને ઘણા દોડ્યા દર્શન માટે તો ઘણા વિડિયો જોઈને જ ભાવવિભોર થયા, પરંતુ હકીકત એ છે કે આ તો ત્રણ-ચાર વર્ષ પહેલાંનો વિડિયો હતો અને નવરા​િત્ર પર્વમાં એ વાઇરલ થયો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિશ્વમાં આદ્યશક્તિ જગદજનની અંબે માતાજીના નવતાં નોરતાંની રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે વા વાયા ને નળિયું ખસ્યું જેવું ગઈ કાલે અંબાજી ગબ્બરની ઘટનામાં થયું છે, જેમાં અંબાજી ગબ્બર પર આવેલા મંદિરની અખંડ જ્યોતમાં વાઘનાં દર્શન થયાં હોવાનો વિડિયો વાઇરલ થતાં ભાવિકો ભાવવિભોર થયા હતા, પરંતુ હકીકત કંઈક જુદી છે અને આ વિડિયો જૂનો હોવાનું ખુદ ગબ્બર મંદિરના મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું. જોકે વિડિયો વાઇરલ થતા લોકોમાં ખાસ્સી કુતૂહલતા પેદા થઈ હતી અને ઘણાં તો અંબાજી મંદિરે દર્શન કરવા પણ પહોંચ્યા હતા.

હાલમાં નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. નોરતાંના આ પર્વમાં અંબાજીમાં લાખ્ખો માઈભક્તો અંબેમાનાં દર્શન કરવા આવી રહ્યા છે. જે માઈભક્તો અંબાજી મંદિરે આવે છે તેઓ પૈકી મોટા ભાગના દર્શનાર્થીઓ અચૂક ગબ્બર પર આવેલી અખંડ જ્યોતનાં દર્શન કરવા ગબ્બર પર આવેલા મંદિરે જાય છે ત્યારે ગઈ કાલે અંબાજી ગબ્બર મંદિરની અખંડ જ્યોતનો એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં અખંડ જ્યોતમાં વાઘના મુખનાં દર્શન થતાં હોય એવું દેખાતું હોવાનું લાગ્યું અને આ વિડિયો-ક્લિપ વાઇરલ થઈ છે, શ્રદ્ધાળુઓ એનાં દર્શન કરવા માંડ્યા છે, પણ ગઈ કાલે આવી કોઈ ઘટના ગબ્બર મંદિરમાં નથી બની.

અંબાજી ગબ્બર મંદિરના મહારાજ ગિરીશ લોઢાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ એક વાર વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયો વાઇરલ થયો છે એ ત્રણ-ચાર વર્ષ પહેલાંનો જૂનો વિડિયો છે, પણ લોકોને એ નવો લાગ્યો છે. જોકે હકીકતમાં આવી કોઈ ઘટના ગબ્બરની જ્યોતમાં આજે નથી બની.’

navratri 2023 navratri ambaji gujarat gujarat news shailesh nayak