પીએમ મોદી આજે દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરશે?

25 February, 2024 10:33 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે નરેન્દ્ર મોદી દરિયામાં ડૂબકી લગાવી સ્કૂબા ડાઇવિંગ કરીને સોનાની દ્વારકાના પૌરાણિક અવશેષ નિહાળે એવી ચર્ચા

બેટ-દ્વારકાને જોડતો સમુદ્ર વચ્ચે બનાવેલો સુદર્શન સેતુ.

થોડા દિવસ પહેલાં જ ગુજરાતની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ-પ્રોજેક્ટના લોકાર્પણ માટે આજે સૌરાષ્ટ્ર આવશે. તેઓ બેટ-દ્વારકાને જોડતા સીમાચિહ‌્નરૂપ સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે, એ સાથે નવો ઇતિહાસ સર્જાશે. વર્ષોથી બેટ-દ્વારકા દર્શન કરવા જવા માટે બોટનો ઉપયોગ કરવો પડતો હતો એ હવે નહીં કરવો પડે અને યાત્રાળુઓ સહિતના લોકો સરળતાથી રોડ માર્ગે બેટ-દ્વારકા જઈ શકશે. બેટ-દ્વારકા ઉપરાંત રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં વિકાસ-કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. એટલું જ નહીં, બિનસત્તાવાર રીતે ચર્ચાઈ રહ્યું છે કે દ્વારકા અને બેટ-દ્વારકા આવી રહેલા નરેન્દ્ર મોદી દરિયામાં ડૂબકી લગાવીને સોનાની દ્વારકાના પૌરાણિક અવશેષ નિહાળે એવી શક્યતા છે.
સિગ્નેચર બ્રિજ તરીકે જાહેર થયેલા આ આઇકૉનિક બ્રિજનું નામ ભગવાન શ્રીકૃષ્ણના નામ સાથે જોડીને સુદર્શન સેતુ આપવામાં આવ્યું છે. દ્વારકામાં નરેન્દ્ર મોદીના ડ્રીમ-પ્રોજેક્ટ સુદર્શન સેતુનું લોકાર્પણ થવાથી દ્વારકાથી બેટ-દ્વારકા જવા માટે ભાવિકોને સુવિધાનો લાભ મળશે. સૌરાષ્ટ્રના આ ઐતિહાસિક યાત્રાધામ જવા માટે હવે કરોડો શ્રદ્ધાળુઓને સરળતા બની રહેશે. યાત્રાળુઓ પોતાનું વેહિકલ લઈને પણ હવે બેટ-દ્વારકા જઈ શકશે. ૯૭૯ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨.૩ કિલોમીટર લંબાઈના બ્રિજની સાથે-સાથે ૨.૪૫ કિલોમીટરનો અપ્રોચ રોડ અને પાર્કિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. એ ખુલ્લો મુકાશે ત્યારે દ્વારકાથી બેટ-દ્વારકા જવું સરળ બની જશે. દ્વારકા આવી રહેલા નરેન્દ્ર મોદી આજે મંદિરમાં દ્વારકાધીશનાં દર્શન કરશે, પૂજા-અર્ચના અને પાદુકાપૂજન કરશે તેમ જ બપોરે દ્વારકામાં જનસભાને સંબોધશે. આ પહેલાં તેમનો રોડશો યોજાશે. નરેન્દ્ર મોદી જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નૉલૉજી, પેટ્રોલિયમ, રેલવે તેમ જ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ૪૧૫૩ કરોડ રૂપિયાના ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ ૪૮,૦૦૦ કરોડથી વધુનાં અનેક વિકાસ-કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નરેન્દ્ર મોદી દેશમાં પાંચ નવી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાય​ન્સિસનું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ એઇમ્સનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં એઇમ્સના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સનું ઉદ્ઘાટન થશે. અહીં એ અને બી હૉસ્પિટલ બ્લૉકમાં ૨૫૦ બેડની ક્ષમતાવાળી ઓપીડી સેવાઓ, ૫૦૦ લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હૉલ સાથે અન્ડર ગ્રૅજ્યુએટ બૉયઝ અને ગર્લ્સ માટે હૉસ્ટેલ, શૉપિંગ કૉમ્પ્લેક્સ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સાથે કચ્છમાં પાવર પ્રોજ્ક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભાવનગરમાં નિર્માણ પામેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં બનનારા છ લેનના હાઇવેનું ખાતમુહૂર્ત તેમ જ સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે રેલવે લાઇનના ડબલિંગનું લોકાર્પણ કરશે.’

narendra modi rajkot gujarat news ahmedabad dwarka