20 October, 2024 10:37 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
નારાયણ સાંઈ, આસારામ
બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવતા નારાયણ સાંઈને જોધપુર જેલમાં આજીવન કારાવાસ ભોગવતા આસારામને ચાર કલાક માટે મળવા દેવાની પરવાનગી ગુજરાત હાઈ કોર્ટે શુક્રવારે માનવતાના ધોરણે આસારામની ઉંમર અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આપી હતી. નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવ્યો છે. તેણે ગુજરાત હાઈ કોર્ટમાં તેના પિતાને મળવા માટે પરવાનગી માગતી અરજી કરી હતી.
થોડા સમય પહેલાં આસારામે બીમાર હોવાની ફરિયાદ કરતાં તેમને પુણેની આયુર્વેદિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જસ્ટિસ ઇલેશ વોરા અને એસ. વી. પિન્ટોની બનેલી બેન્ચે નારાયણ સાંઈને હવાઈ માર્ગે તેના પિતાને મળવા જવા દેવાની મંજૂરી આપી હતી. તેની સાથે પોલીસની એક ટીમ રહેશે અને આ પ્રવાસનો ખર્ચ તેણે જાતે ઉઠાવવો પડશે. પિતા સાથેની મુલાકાત વખતે ત્રીજી કોઈ વ્યક્તિ હાજર નહીં રહી શકે. કોર્ટે નારાયણ સાઈને પાંચ લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
નારાયણ સાંઈને બળાત્કારના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા કરી છે. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે તેના પિતાની તબિયત સારી રહેતી નથી અને તેમને જોધપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર રહેતી નથી.
બે બહેનોએ લગાવ્યા આરોપ
નારાયણ સાંઈ સામે બે બહેનોએ જાતીય શોષણના આરોપ લગાવ્યા હતા. બન્ને બહેનોએ ૨૦૦૨ અને ૨૦૦૫માં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે પિતા-પુત્રની આ જોડીએ તેમના પર અનેક વાર બળાત્કાર કર્યા હતા. દિલ્હી પોલીસે નારાયણ સાઈની ૨૦૧૩માં પંજાબ-હરિયાણા સરહદ પરથી ધરપકડ કરી હતી. તેના ગુનાઓ માટે તેને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે.
સુરત ઐસે બનેગા નંબર વન?
સુરતમાં ગઈ કાલે એક રસ્તા પર ખાડો પડી ગયો હતો. નવાઈની વાત એ છે કે આવું જ્યાં થયું ત્યાં જ ‘નંબર વન બનેગા સુરત’ લખેલું જોવા મળ્યું હતું.