અમદાવાદમાં રચાઈ રહી છે ગિરનાર તીર્થ જિનાલયની વિશાળ પ્રતિકૃતિ

12 January, 2023 11:18 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

પદ્‍મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજસાહેબ લિખિત ૪૦૦મા પુસ્તકના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના જીએમડીસી મેદાનમાં ઊજવાશે આધ્યાત્મિકતા અને જ્ઞાનોત્સવનો સ્પર્શ મહોત્સવ

અમદાવાદમાં રચાઈ રહી છે ગિરનાર તીર્થ જિનાલયની વિશાળ પ્રતિકૃતિ

અમદાવાદ : પદ્‍મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજસાહેબ લિખિત ૪૦૦મા પુસ્તકના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના જીએમડીસી મેદાનમાં આધ્યાત્મિકતા અને જ્ઞાનોત્સવના સુભગ સમન્વય સમો સ્પર્શ મહોત્સવ ઊજવાશે, જેમાં નેમિનાથ પ્રભુના પ્રભાવશાળી ગિરનાર તીર્થ જિનાલયની વિશાળ પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે.

સ્પર્શ મહોત્સવનાં કન્વીનર પલક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં સ્પર્શ મહોત્સવ શરૂ થશે. આ મહોત્સવ માટે ગિરનાર તીર્થની રેપ્લિકાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લોખંડ, બામ્બુ, લાકડાં, પ્લાસ્ટર ઑફ પૅરિસના ઉપયોગથી ગિરનાર પહાડ બનાવવામાં આવી રહ્યો છે. અહીં નેમિનાથ પરમાત્માનું જિનાલય બની રહ્યું છે જેમાં ૬૯ ઇંચ એટલે કે પોણાછ ફુટની નેમિનાથ પરમાત્માની મૂર્તિ હશે. ૧૦૦ ફુટની ઊંચાઈએ ૩૦૦ ફુટ લાંબું અને ૩૦૦ ફુટ પહોળું પ્લૅટફૉર્મ બનાવવામાં આવી રહ્યું છે જેના પરથી ભાવિકો આરાધના કરી શકશે. જિનાલયની ફરતે ૯૬ દેરી ઊભી કરવામાં આવી છે અને ૨૫૦ ફુટ લાંબી ટનલ પણ બનાવવામાં આવી રહી છે. સાધુ-સાધ્વીજી ભગવંતો ૧૦૦ ફુટ ઊંચાઈએ દર્શનાર્થે જઈ શકે એ માટે અલગ રૅમ્પ બનાવાયો છે.’

સ્પર્શ મહોત્સવ સમિતિના કન્વીનર કલ્પેશ શાહે કહ્યું કે ‘નેમિનાથ પરમાત્માના ગિરનાર તીર્થની રેપ્લિકાનું કાર્ય છેલ્લા ત્રણ મહિનાથી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહ્યું છે. ગિરનાર તીર્થની પ્રતિકૃતિ પર રોજ સાંજે થ્રીડી મૅપિંગ ટેક્નૉલૉજીથી ચારથી પાંચ અલગ-અલગ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો યોજાશે. જૈન ફિલોસૉફી, ગિરનાર તીર્થ અને ગુરુદેવના જીવનની ઝાંખી આ શોમાં માણવા મળશે.’

૬૦ એકરમાં ‘રત્ન વર્લ્ડ’ નામની નગરી બનશે. ગુરુદેવની લાઇફ જર્ની, થ્રીડી મૅપિંગ ટેક્નૉલૉજી સાથેનો અમેજિંગ એક્સ્પીરિયન્સ સાથેનો શો, ડિજિટલ સંસ્કાર ગેમ્સ, રત્ન સફારી ઉપરાંત જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

 

gujarat news ahmedabad gujarati mid-day