મોરબી હોનારત : મૃતકના પરિવારજનને ૧૦ લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવા આદેશ

23 February, 2023 08:56 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત હાઈ કોર્ટે દરેક ઈજાગ્રસ્તને બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવાનો પણ ઓરેવા ગ્રુપને આદેશ આપ્યો 

મૃતકના પરિવારજનને ૧૦ લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવા આદેશ

અમદાવાદ (પી.ટી.આઇ.)ઃ મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનાના કેસમાં ગુજરાત હાઈ કોર્ટે ગઈ કાલે ક્લૉક મૅન્યુફૅક્ચરિંગ કંપની ઓરેવા ગ્રુપને દરેક મૃતકના પરિવારને દસ લાખ રૂપિયા અને દરેક ઈજાગ્રસ્તને બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. મોરબીમાં આ ઝૂલતા બ્રિજના મેઇન્ટેનન્સની જવાબદારી ઓરેવા ગ્રુપની હતી. આ બ્રિજ તૂટી પડતાં ૧૩૫ જણનાં મોત નીપજ્યાં હતાં. 
ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે આ કંપનીને વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 
અદાલતે આદેશ આપ્યો હતો કે આ હોનારતમાં મૃત્યુ પામનારના પરિવારજનને તરત પાંચ લાખ રૂપિયા આપવા પડશે અને પંદર દિવસ પછી બીજા પાંચ લાખ રૂપિયા જમા કરાવવા પડશે. અંતિમ વળતરની રકમની બાદમાં જાણ કરવામાં આવશે.  
મોરબીમાં મચ્છુ નદી પર આ સસ્પેન્શન બ્રિજ ગયા વર્ષે ૩૦મી ઑક્ટોબરે તૂટ્યો હતો, જેમાં ૧૩૫ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૫૬ જણને ઈજા થઈ હતી. 
ઓરેવા ગ્રુપે મંગળવારે દરેક મૃતકના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે પાંચ કરોડ રૂપિયાનું કુલ વચગાળાનું વળતર ચૂકવવાનો હાઈ કોર્ટ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે અદાલતને વળતરની આ રકમ પૂરતી નહોતી જણાઈ.

 

gujarat news morbi