મોરબી હોનારત : ઓરેવા ગ્રુપે વચગાળાના વળતર માટે ૧૪.૬૨ કરોડ રૂપિયા જમા કર્યા

19 April, 2023 10:36 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

એકસરખી રકમના બે હપ્તામાં આ રકમ જમા કરાવવાની હતી.

મોરબી બ્રિજ ફાઇલ તસવીર

ઓરેવા ગ્રુપે ગઈ કાલે ગુજરાત હાઈ કોર્ટને જણાવ્યું હતું કે મોરબી બ્રિજ હોનારતના પીડિતોને વચગાળાનું વળતર ચૂકવવા માટે ૧૪.૬૨ કરોડ રૂપિયા રાજ્યની લીગલ સર્વિસિસ ઑથોરિટીમાં એણે જમા કરાવી દીધા છે. 

ગયા વર્ષે ૩૦ ઑક્ટોબરે મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો હતો, જેના લીધે ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અંગ્રેજોના સમયગાળાના આ ઝૂલતા બ્રિજના સંચાલન અને જાળવણીની જવાબદારી ઓરેવા ગ્રુપની હતી. 

આ કંપનીએ કાર્યકારી ચીફ જસ્ટિસ એજે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચને જણાવ્યું હતું કે એણે વચગાળાની રકમ જમા કરાવી છે. એકસરખી રકમના બે હપ્તામાં આ રકમ જમા કરાવવાની હતી. અદાલતે જણાવ્યું હતું કે ડિવિઝન બૅન્ચના ૨૨ ફેબ્રુઆરીના આદેશ અનુસાર આ રકમ પીડિત પરિવારો સુધી પહોંચી જવી જોઈએ. રાજ્ય સરકારે ગઈ કાલે અદાલતને જણાવ્યું હતું કે એણે ૧૧ એપ્રિલના અદાલતના આદેશ અનુસાર મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી છે. ૨૨ ફેબ્રુઆરીએ અદાલત દ્વારા આ કંપનીને વચગાળાના વળતર તરીકે ૧૩૫ મરનારામાંથી દરેકના પરિવારજનને ૧૦ લાખ રૂપિયા જ્યારે ૫૬ ઈજાગ્રસ્તોમાંથી દરેકને બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો.

gujarat news morbi ahmedabad