20 February, 2023 11:32 AM IST | Morbi | Gujarati Mid-day Correspondent
મોરબીમાં ઝૂલતો પુલ તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી
મોરબી : ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાની તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. સરકાર દ્વારા નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના પ્રાથમિક રિપોર્ટનાં તારણો બહાર આવ્યાં છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઓરેવા ગ્રુપ અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારના અમલ માટે પાલિકાના જનરલ બોર્ડની પૂર્વમંજૂરી લેવી જરૂરી હતી. જોકે આ કેસમાં જનરલ બોર્ડની પૂર્વસંમતિ લેવામાં નહોતી આવી અને કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે મુદ્દો રજૂ કરવામાં નહોતો આવ્યો.
મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખે યોગ્ય ટેક્નિકલ એક્સપર્ટનું માર્ગદર્શન લીધા વિના જ રિપેરિંગ કામ આપી દીધું હતું. રિપેરિંગ વર્ક શરૂ કરતાં પહેલાં મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટિંગ નહોતું કરવામાં આવ્યું.
સૌથી ચોંકાવનારું તારણ એ આવ્યું છે કે ૪૯માંથી ૨૨ કેબલ પહેલાંથી જ કટાયેલા હતા, જે સૂચવે છે કે આ વાયર તો પુલ તૂટ્યો એ પહેલાં જ તૂટી ગયા હતા અને બાકીના ૨૭ વાયર દુર્ઘટનામાં તૂટ્યા હતા. એસઆઇટીના રિપોર્ટ અનુસાર ઓરેવા ગ્રુપના ચીફ ઑફિસર, મોરબી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે જ કૉન્ટ્રૅક્ટ પર સહી કરી હતી.
મોરબીમાં ૨૦૨૨ની ૩૦ ઑક્ટોબરે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં ૧૩૫થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.