03 November, 2022 08:32 AM IST | Morbi | Rashmin Shah
હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
દોઢસોથી વધારે લોકોનો ભોગ લેનારી મોરબી ઝૂલતા પુલ હોનારતમાં સરકારી આંકડા મુજબ તમામ બૉડી શોધી લેવામાં આવી છે, પણ એક વ્યક્તિ હજી મિરસિંગ છે, જેને શોધવાની અત્યારે કામગીરી ચાલી રહી છે. જે ગુમ છે એ હયાત હોવાની સંભાવના નહીંવત્ છે એટલે ખેદ સાથે કહેવું પડે કે જે મિસિંગ છે એ ડેડ-બૉડી જ છે. આ એક ડેડ-બૉડી શોધવા માટે અત્યારે દોઢસો તરવૈયા અને દેશની ચાર એજન્સીઓ કામે લાગેલી છે.
નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ, આર્મી અને નેવી સાથે મોરબી નગરપાલિકાનો સ્ટાફ આ એક બૉડીને શોધવાની કોશિશ છેલ્લા ૪૮ કલાકથી કરે છે, પણ તેમને સફળતા નથી મળી. મચ્છુમાં બાઝી ગયેલી ગાંડી વેલને કારણે એ બૉડી તળિયે રહેલા કાદવમાં ખૂંપી ગઈ હશે, એવા અનુમાન સાથે ગાંડી વેલ દૂર કરવાનું કામ પણ ચાલે છે તો ઝૂલતા પુલથી એકાદ કિલોમીટરના અંતરે આવેલો ચેકડૅમ તોડવાનું કામ પણ કરવામાં આવ્યું છે અને એ પછી પણ પાણી ઓછું નહીં થતાં હવે મચ્છુ નદીના આ ભાગમાં પાણી ખેંચવાની ચાર મોટર મૂકીને પાઇપથી પાણી કાઢવાનું કામ પણ શરૂ થયું છે.