14 September, 2023 10:11 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
મોરારિ બાપુ (ફાઈલ તસવીર)
સાળંગપુર વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મીઓ વચ્ચે જે શાબ્દિક યુદ્ધ છેડાયો છે તેમાં અનેક સંતોના નિવેદનો આગમાં ઘી રેડવાનું કામ કરે છે. એવામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને સનાતન ધર્મના સંતોના નિવેદનથી લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વગર જ કહ્યું કે અમુક લોકોને મેં રામ મંદિરમાં દર્શન કરતાં નથી જોયા, આપણાં અંદરના જ કેટલાક તત્વો એવા છે જે દેખાતા નથી પણ તેમના ઈરાદા ખરાબ છે.
સતત વધતા વિવાદ વચ્ચે સ્વામિ બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશેનું નિવેદન ત્યાર બાદ રાજભા ગઢવી, માયાભાઈ આહીર અને દેવાયત ખવડેના નિવેદન પણ આવ્યા છે. આ બધાના આક્રોશ વચ્ચે મોરારી બાપુનું વધુ એક નિવેદન સામે આવ્યું છે
મોરારી બાપુનું નિવેદન
સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વગર મોરારી બાપુએ આકરા પ્રહાર કર્યા છે. મોરારી બાપુએ કહ્યું કે, અમુક લોકોને મેં રામ મંદિરમાં દર્શન કરતાં જોયા નથી. સૌરાષ્ટ્રમાં ઓટલો અને રોટલો આપનાર અત્યારે રામ મંદિરથી દૂર છે. વધુમાં કહ્યું કે, રામાનંદી વ્યવસ્થાએ જ લોકોને મંદિરમાં ઓટલો-રોટલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણા અંદરના કેટલાક તત્વો એવા છે જે દેખાતાં નથી પરંતુ તેમનો ઈરાદો ખરાબ છે, રામ-કૃષ્ણ કોઈ નથી ફક્ત અમે છીએ, અરે કાલ સવારના છોકરાઓ.
દેવાયત ખવડની પ્રતિક્રિયા
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનો અને હરતકોને લઈ રાજભા અને માયાભાઇ બાદ દેવાયત ખવડની પ્રતિક્રિયા સામે આવી છે. હનુમાનજીના વિવાદિત ચિત્રને લઇને ખવડે કહ્યું કે, હનુમાન 11મો રુદ્ર છે તે કોઇ સામે નહીં, આપણી એકતા ન હોવાથી અંગ્રેજોએ રાજ કર્યુ અને હવે બધાએ એક થવાની જરૂર છે. દેવાયત ખવડએ જણાવ્યું કે, હનુમાન ખહુરિયાઓને ન નમે, બેટા કોઇ દિવસ બાપ ન થાય. શિવ-રામ અને કૃષ્ણથી મોટો કોણ હોય.
રાજભા ગઢવીનું નિવેદન
સ્વામી બ્રહ્મસ્વરૂપના ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. રાજભા ગઢવી લોક ડાયરામાં સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યાં સુધી આપણે સહન કરીશું. વધુમાં રાજભાએ કહ્યું કે, માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે.
મણિધર બાપુએ શું કહ્યું?
ખોડિયાર માતાજી પરના નિવેદન મામલે કબરાઉ મોગલ ધામના મણિધર બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણના સંતો હદ વટાવી રહ્યા છે. સ્વામિનારાયણના સંતો રાક્ષસ જેવા છે. માતા ખોડિયારનું અપમાન એ અઢારે વરણનું અપમાન છે. ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
`સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય`
જે વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું
બ્રહ્મસ્વરૂપ સ્વામી શું કહ્યું?
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.