15 March, 2023 10:55 AM IST | Ahmedabad | Shailesh Nayak
અંબાજી ધામ તસવીર મિડ-ડે
અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. ભાવિકોની આસ્થા અને લાગણીનો પડઘો પડ્યો અને સરકારે નિર્ણય બદલવો પડ્યો છે અને હવેથી માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ મળશે. જોકે મોહનથાળની સાથે ચિક્કીનો પ્રસાદ પણ અપાશે. આસ્થાનો વિજય થતાં ગુજરાતમાં અંબાજી સહિત ઠેર-ઠેર માઈભક્તોએ ફટાકડા ફોડીને તેમ જ મોહનથાળનો પ્રસાદ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘સારામાં સારો મોહનથાળ અપાશે; જેમાં મોહનથાળમાં કેટલો ચણાનો લોટ, ઘીનું કેટલું પ્રમાણ, કેટલી ખાંડનું પ્રમાણ એ નિયત કરીને સુંદર પૅકિંગ સાથે મળશે. અત્યારે સિંગદાણા અને માવાની ચિક્કી અને મોહનથાળ પ્રસાદના સ્વરૂપમાં બન્ને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્ટર પરથી પ્રસાદનું વિતરણ થશે.’
ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં માઈભક્તો, સ્વૈચ્છિક સંગઠનો, બ્રહ્મ સમાજ સહિતના સમાજો, પૂર્વ રાજવી, વિશ્વ હિન્દુ પરિષદ, કૉન્ગ્રેસ સહિતના ઘણાબધા લોકો અને સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માગણી કરીને એક પ્રકારે ધીરે-ધીરે જનઆંદોલન છેડીને લડત ચલાવી હતી.