02 September, 2022 04:15 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સિદ્ધાર્થ ત્રિવેદી
જીવનમાં ક્યારેય કોઈ બાબત અશક્ય નથી, આ બાબત આપને સહુ જાણીએ છીએ. પરંતુ ગુજરાતના પ્રથમ પૅરા સ્ટેન્ડપ કૉમેડિયન સિદ્ધાર્થ ત્રિવેદી (Siddharth Trivedi)એ આ વાતને જીવનમાં પુરવાર કરી દેખાડી છે. અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરીને આરજેની નોકરી કરી. લોકો તેના પર દયા ન ખાય એ માટે પોતે દિવ્યાંગ છે એ બાબત છતી કર્યા વગર સિદ્ધાર્થ ત્રિવેદીએ દેશના પહેલા ‘પૅરા સ્ટેન્ડપ કૉમેડિયન’ તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. અત્યારે ગુજરાતમાં તેના સુપરહિટ શો થઈ રહ્યાં છે અને બહુ જલ્દી દુનિયાભરમાં તે પોતાનો ડંકો વગાડશે.
મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા સિદ્ધાર્થ ત્રિવેદીનું નાનપણથી જ પોલીસમાં ભરતી થવાનું સ્વપ્ન હતું. કોલેજમાં ભણતર સાથે એક બાજુ થિયેટર કરે અને બીજી બાજુ GPSCની પરીક્ષાની તૈયારીઓ કરતો. તે સમયે GPSCની પરીક્ષા ખેચાઇ એટલે સબ ઇન્સપેક્ટરની પરીક્ષાનું ફોર્મ ભર્યુ હતું અને શારીરીક કસોટીનો પહેલો તબક્કો પાસ કર્યો ત્યાં જ તેનો અકસ્માત થયો, જેમાં ડૉક્ટરે તેનો પગ કાપી નાખ્યો હતો.
અકસ્માતના આઘાતમાંથી બહાર આવતાની સાથે જ સિદ્ધાર્થ પર સમાજ અને ઓળખીતાઓ સવાલોનો મારો કરવા લગાયા કે હવે જીવનમાં આગળ શું? નોકરી અને છોકરીનું શું? આ વિશે સિદ્ધાર્થ ત્રિવેદી જણાવે છે કે, ‘એ સમયે મને અકસ્માતે નહીં પણ સમાજના સવાલોએ અપંગ બનાવી દીધો હતો.લોકોના સવાલ સાંભળીને મેં નક્કી કર્યું કે હું કોઈને જવાબ નહીં આપું. માત્રને માત્ર મારું કામ બોલશે. મને સહાનુભુતિ નહોતી જોઈતી. મારું કામ જ બોલે, તેવું કામ કરવું હતું. પગ કાપી નાખ્યો હોવાથી પોલીસમાં ભરતીનું સપનું તો ચકનાચુર થઈ ગયું હતું. તેમજ બીકૉમમાં માત્ર ૪૭% હતા એટલે સારા પગારધોરણ વાળી નોકરી પણ મળવી મુશ્કેલ હતી. દિવ્યાંગતાને બાજુએ મુકીને સંઘર્ષ, અનુભવ અને ટેલેન્ટને આધારે કામ શોધવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો.’
નોકરી માટે સંઘર્ષ કરતો હતો ત્યારે સિદ્ધાર્થ ત્રિવેદીને રેપિયો જૉકીની નોકરીની ઑફર આવી. પ્રાઇમ ટાઇમમાં શો કરવાની સોનેરી તક મળી. ત્યારે તેણે નક્કી કર્યું કે દિવ્યાંગતાને છતી કર્યા વગર કામ કરવું. આરજે તરીકે પ્રેમ અને પ્રસિદ્ધિની સાથે-સાથે પૈસા પણ કમાયો. પાંચ વર્ષમાં તો ગુજરાતમાં લોકો તેને ઓળખવા લાગ્યા. સ્ટેજ પરથી લોકોને હસાવીને મળતા એડ્રેલીન રસને એક સ્ટેપ આગળ લઇ જવાનુ સિદ્ધાર્થે નક્કી કર્યું. એટલે પોતાના સ્ટેન્ડપ કૉમેડિયન બનવાવાના સપના પાછળ મહેનત કરવાનું શરુ કર્યું.
સિદ્ધાર્થને દિવ્યાંગ ભાઇ-બહેનોનો અવાજ બનવા તરફ મહેનત કરવાનું શરુ કર્યું. સ્ટેન્ડપ કૉમેડિયન તરીકે આગળ વધવું હોય તો દિવ્યાંગતા છતી કરવી જરુરી હતી. એટલે સ્ટેન્ડપ કૉમેડીનું પ્રિમિયર રાખ્યું હતું. જેમાં સેલેબ્ઝ, ઇન્ફ્લ્યુઅન્સર અને પરિવારજનોને બોલાવ્યા. તેમની સામે સરસ ઍક્ટ કરી જેના માટે સિદ્ધાર્થને સ્ટેન્ડિંગ ઑવેશન મળ્યું. બાદમાં તેણે પોતાની દિવ્યાંગતા છતી કરી. તે બાબતે સિદ્ધાર્થ જણાવે છે કે, ‘હું અપંગ છુ એ જાણીને આખા ઑડિટોરિયમમાં સોપો પડી ગયો હતો. હસતા ગાલ ઉપર ખુશીના આંસુ ઘસી આવવા મંડ્યા અને ગર્વ એ ઓડિટોરિયમના ખુણે ખુણામાં વ્યાપી ગયો હતો. ત્યાં હાજર તમામ લોકોએ મારી હિંમતને બીરદાવી અને મને તથા બીજા કોઇપણ દિવ્યાંગને ક્યારેય સહાનુભુતિની નજરે ન જોવાનુ નક્કી કર્યું. તે જ દિવસથી મેં પણ નક્કી કર્યું કે હું પૅરા સ્ટેન્ડપ કૉમેડિયન તરીકે જ મારી કારકિર્દી આગળ વધારું.’
અત્યારે સિદ્ધાર્થ ત્રિવેદીના સ્ટેન્ડપ કૉમેડી શૉની ગુજરાત ટૂર ચાલી રહી છે. ટુંક સમયમાં દેશનો પ્રથમ ‘પૅરા સ્ટેન્ડપ કૉમેડિયન’ દુનિયામાં પોતાનો ડંકો વગાડશે.