09 September, 2024 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના અવસરે પરમ ગુરુદેવના શ્રીમુખેથી અંતરને હચમચાવી દેતી પ્રેરણાઓ, ક્ષમાની સમ્યક સમજ અને પ્રૅક્ટિકલ પ્રયોગોની અનુભૂતિએ ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, પિતા-પુત્ર, સાસુ-વહુ, આદિએ વર્ષો જૂના અબોલા અને અણગમાનો ત્યાગ કરી અશ્રુભીની આંખે, પ્રેમ અને ક્ષમાનું આદાન-પ્રદાન કરી હળવાશનો અનન્ય અનુભવ કર્યો હતો.
‘જીવન એક યુદ્ધ છે, શુદ્ધ થવાનું’, આ ભાવ સાથે પરમ ગુરુદેવે વિજયી ભવ:ની રાત્રિ પ્રવચનમાળામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયના તત્ત્વાર્થ સાથે ક્ષમાપનાનું મહત્ત્વ અને ક્ષમાપના કરવાનાં કારણોની સૂક્ષ્મ સમજ આપી આત્મગુણો અને આત્મભાવોને જાગૃત કર્યા હતા.
પર્યુષણના હાર્ટ સમાન સંવત્સરીના દિવસે આત્મ શ્રેયસ્કર પ્રાજ્ઞવચનો બાદ બપોરે અંતરની આંખે આત્મ અવલોકન કરાવતી આલોયણામાં દેશ-વિદેશના લાખો જૈન-અજૈન ભાવિકો આંખે પટ્ટી બાંધી, અંતરની આંખો ખોલી એક-એક પાપ અને દોષોને યાદ કરી, પસ્તાવાનાં અશ્રુઓથી વિશુદ્ધ બન્યા હતા અને પરમ ગુરુદેવના શરણે સમર્પણભાવ સાથે શ્રાવક ધર્મની દીક્ષા અંગિકાર કરી ધન્ય-ધન્ય બન્યા હતા.
પરમ ગુરુદેવના શ્રીમુખેથી ‘તસ્સ મિચ્છામી દુક્કડમ્’ની તલસ્પર્શી સમ્યક સમજ પામી લાખો ભાવિકોએ ઉત્કૃષ્ટ ભાવ સાથે સંવત્સરી પ્રતિક્રમણની શ્રેષ્ઠ આરાધના કરી હતી. જૈન ધર્મમાં ક્ષમાપનાનું બહુ મોટું મહત્ત્વ દર્શવવામાં આવ્યું છે અને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપનાનો મહોત્સવ!
સંવત્સરીના દિવસે દરેક આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ પરમધામ સાધના સંકુલ, ઝૂમ લાઇવ, યુટ્યુબ, સોહમ ચૅનલ, ધર્મ સંદેશ ચૅનલ, પારસ ચૅનલ આદિના માધ્યમથી ભારતના ખૂણે-ખૂણેથી એવમ વિદેશના મળીને ૧૭૦ દેશના લાખો ભાવિકો એ લીધો.
એ પૂર્વે પર્યુષણના પ્રારંભના ૭-૭ દિવસ પોતાની આખા વર્ષની ભૂલોને યાદ કરી આઠમા દિવસે સવંત્સરીના પાવન દિવસે એની ક્ષમાપના કરી, સર્વ દોષોથી હળવા થવાનો લાખો ભાવિકોએ અહેસાસ કર્યો હતો. વર્લ્ડ નવકાર ડે અવસરે પરમ ગુરુદેવની પ્રેરણાથી એક જ સમયે, એક જ સાથે દેશ-વિદેશમાં, અનેક શાળાઓમાં, સંસ્થાઓમાં, આશ્રમોમાં આદિ સ્થાનો પર મહા મંગલકારી નમસ્કાર મહામંત્રનો દિવ્ય નાદ ગુંજતા પાંચ કરોડથી વધુ જાપ વિશ્વશાંતિની ભાવના સાથે થયા હતા.
લાઇવના માધ્યમથી બાળસહજ હૃદયની કાલીઘેલી ભાષામાં ભગવાનને પોતાની ભૂલોની માફી માગતાં દેશ-વિદેશનાં ૧૦૦૦ બાળકોએ કરી પ્રભુ સમક્ષ આલોચના. પરમ ગુરુદેવની આજ્ઞા અને પચ્ચક્ખાણ સાથે મુક્તાવલી તપ, ૬૮ ઉપવાસ, માસક્ષમણ, ૧૬ ઉપવાસ, નવાઈ, અઠ્ઠાઈ અને છથી વધુ ઉપવાસના મળીને ૨૦૦થી વધુ તપસ્વીઓએ પરમ ગુરુદેવની કૃપાથી તપસ્યા કરી કર્મોની નિર્જરા કરી છે.
સમગ્ર ચાતુર્માસના લાભાર્થી શ્રી શેઠ પરિવારની ભાવનાથી પરમધામ સાધના સંકુલમાં સોમવારે સવારે તપસ્વી પારણા અવસર યોજાશે. પરમ ગુરુદેવના પ્રત્યક્ષ સાંનિધ્યમાં પર્યુષણની આરાધના કરવા આવેલા દેશ-વિદેશના ભાવિકોએ કંઈક અનન્ય અનુભૂતિ અને આત્મસંવેગ અનુભવ્યો હતો.